Mysamachar.in-અમદાવાદ:
વેપારીઓ અને ઉદ્યોગકારો આવકવેરાતંત્રથી ખૂબ જ ડરતાં હોય છે, આ વિભાગના અધિકારીઓ ખાસ કરીને પરપ્રાંતિય અધિકારીઓ કરદાતાઓને ખૂબ જ ધમકાવતાં હોય છે અને પોલીસ કરતાં પણ અઘરી અને નિર્દય પદ્ધતિઓનો ઉપયોગ કરીને કરદાતાઓને લૂંટતાં પણ હોય છે, એવું અવારનવાર સાંભળવા મળતું હોય છે. પરંતુ અમદાવાદના એક મામલામાં વડી અદાલત આવકવેરાતંત્રના અધિકારીઓનો સારી પેઠે ક્લાસ લઈ રહી હોવાનું જાણવા મળે છે.
ગુજરાત હાઇકોર્ટના આદેશ પ્રમાણે, અમદાવાદના અવિરત ગ્રુપ અને શ્રી પરમ ગ્રુપ પર પાડવામાં આવેલાં દરોડા દરમિયાન મૌલિક શેઠની ઓફિસમાંથી જપ્ત કરવામાં આવેલાં દસ્તાવેજો વાંધાજનક છે કે કેમ ? તે અંગેનો નિર્ણય માત્ર આવકવેરાતંત્રના અધિકારીઓ લઈ શકે નહીં, તેને માટે તેમણે દરોડાનો ભોગ બનેલી વ્યક્તિ વતી કોઈ અન્ય વ્યક્તિને તથા નિષ્ણાંતોને પણ તે દસ્તાવેજો દેખાડવા પડે. અને આ દસ્તાવેજોને શા માટે વાંધાજનક ગણવામાં આવે છે? તે અંગે આવકવેરાતંત્રએ સંબંધિત વ્યક્તિને સમજણ પણ આપવી પડશે.
આ દરોડો પાડતી વખતે અધિકારીઓએ દરોડા સાથે સ્નાનસૂતકનો સંબંધ ન હોય તેવા દસ્તાવેજ પણ જપ્ત કરી લીધાં હતાં. આ કેસમાં વડી અદાલતે આવકવેરાતંત્રને 20મું એફિડેવિટ ફાઇલ કરવા આદેશ આપ્યો છે. તંત્રએ આ કેસમાં થર્ડ પાર્ટીના દસ્તાવેજોનો ઉપયોગ કર્યો છે.
મૌલિક શેઠ પરના દરોડાનો આ મામલો ઘણાં સમયથી અદાલતી વર્તુળોમાં તથા બિઝનેસજગતમાં તેમજ પોલિટિકલ એરેનામાં ઉપરાંત આવકવેરાતંત્રમાં ચર્ચાઓનો હોટ ટોપિક બન્યો છે, બન્ને પક્ષે ધૂંઆધાર દલીલો થઈ રહી છે અને અદાલત પણ બારીક રીતે આવકવેરાતંત્રની આ કેસમાંની ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. મીડિયાકર્મીઓમાં આ કેસ ભારે ચર્ચાસ્પદ બન્યો છે.