Mysamachar.in-અમદાવાદ
રાજ્યના સીનીયર મંત્રીઓમાં જેની ગણના થાય છે, તેવા શિક્ષણ અને કાયદામંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને મોટો ઝટકો આજે ગુજરાત હાઈકોર્ટે આપ્યો છે, જે બેઠક પરથી ભુપેન્દ્રસિંહએ જીત મેળવી હતી તે 2017ની ધોળકા વિધાનસભાની ચૂંટણી રદ કરી છે, કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે આ અંગે અરજી કરી હતી. વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગેરરીતિ આચરી જીત મેળવી હોવાનો અશ્વિન રાઠોડે આક્ષેપ કર્યો હતો. ગત વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા આંગળીના વેઢે ગણી શકાય તેટલા મતોથી જીત્યા હતા.
ધોળકા વિધાનસભા બેઠક પર માંડ 327 મતોથી કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ સામે જીત્યા હતા. ત્યારે કોંગ્રેસે તેમની આ જીતને હાઈકોર્ટમાં પડકારી હતી. અને અંતે આજે ગુજરાત હાઈકોર્ટે આ અંગે ચુકાદો આપતા ચુંટણી રદ કરી છે કાયદાવિદો ના મતે ભુપેન્દ્રસિંહ હવે ધારાસભ્ય તરીકે રહેતા નથી,જો કે ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઈચ્છે તો તેવો આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પણ પડકારી શકે છે, પણ આ અંગે તેમની કોઈ પ્રતિક્રિયા હજુ સુધી સામે આવી નથી, ગુજરાતના રાજકારણ માટે આ સૌથી મોટા સમાચાર છે.