Mysamachar.in-જામનગર:
સમગ્ર રાજ્યમાં PMJAY જન આરોગ્ય યોજનાની બધે જ ચર્ચાઓ ચાલી રહી છે. નાગરિકોના આરોગ્યની ચિંતાઓ કરતી સરકારે તમામ નાગરિકોને આરોગ્ય સેવાઓ અને સુવિધાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ થઈ શકે તે માટે આયુષ્યમાન કાર્ડ આપવાનું ઘણાં વર્ષથી શરૂ કર્યું છે, આમ છતાં જામનગર શહેર અને જિલ્લાના મોટાભાગના નાગરિકો પાસે આજની તારીખે આયુષ્યમાન કાર્ડ નથી. શહેરની વસતિ સાડાસાત લાખ આસપાસ હોવાનું અનુમાન છે અને સમગ્ર જિલ્લાની વસતિ અગિયાર બાર લાખ આસપાસ છે. તેની સામે સરકારનો આંકડો કહે છે કે, જિલ્લામાં કુલ 5,65,375 લોકો પાસે જ આયુષ્યમાન કાર્ડ છે.
એક સારી વાત એ છે કે, જિલ્લામાં જે નાગરિકો પાસે આયુષ્યમાન કાર્ડ છે તે પૈકી માત્ર 5.5 ટકા લોકોને જ આ કાર્ડનો ઉપયોગ કરવાની ફરજ પડી છે. પાછલાં 16 મહિનાના આંકડા કહે છે, આયુષ્યમાન કાર્ડ ધરાવતા લોકો પૈકી 94.5 ટકા લોકોને પોતાની બિમારીઓ માટે આ કાર્ડનો ઉપયોગ કરવાની ફરજ પડી નથી. એકંદરે, આ 16 માસ દરમિયાન લોકો ગંભીર અને મોટી બિમારીઓથી બચી શક્યા છે.
સરકારના આંકડા કહે છે: 11-07-2023 થી 10-11-2024 દરમિયાન, જામનગર શહેર અને જિલ્લામાં કુલ 32,090 દર્દીઓએ આ કાર્ડ અંતર્ગત આરોગ્ય ખર્ચ માટે સરકારમાં નાણાં મેળવવા ક્લેઈમ કર્યા. આ દાવાઓની કુલ રકમ રૂ. 73,95,46,250 છે. એટલે કે, સરેરાશ દર્દીદીઠ રૂ. 23,000 આસપાસનો દાવો થયો. 16 મહિનામાં 74 કરોડ રૂપિયા આસપાસના દાવા થયા. જેનો મતલબ થાય કે, દર મહિને સરેરાશ 4.5 કરોડ રૂપિયાથી વધુના દાવાઓ થઈ રહ્યા છે.
નાગરિકોએ આ 16 મહિનાઓ દરમિયાન મેડિકલ ખર્ચના જે દાવાઓ કર્યા, તે પૈકી રૂ. 56,10,86,180 કુલ 16 હોસ્પિટલોને ચૂકવી આપવામાં આવ્યા છે. એટલે કે, જિલ્લામાં દાવાની રકમ પૈકી લગભગ 76 ટકા જેટલી રકમ હોસ્પિટલોને આપવામાં આવી છે. જૂલાઈ-23 થી નવેમ્બર-24 દરમિયાન જે દાવાઓ થયા તે પૈકી 97.5 ટકા દાવાઓ સરકારે સ્વીકારી લીધાં. 2.5 ટકા દાવાઓ ફગાવી દેવામાં આવ્યા.
જામનગર શહેરની જે 16 હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ અંતર્ગત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ છે તે પૈકીની 2 હોસ્પિટલ જીજી હોસ્પિટલ અને ડેન્ટલ હોસ્પિટલ સરકારી છે. આ ઉપરાંત સમર્પણ આયુષ, ઓશવાળ આયુષ અને આણંદાબાવા કિડની ડાયાલિસિસ સેન્ટર ટ્રસ્ટ સંચાલિત છે, અને બાકીની 11 હોસ્પિટલ ખાનગી છે, જેમાં અમુક જ રોગોની સારવાર ઉપલબ્ધ છે. જીજી હોસ્પિટલ અને ઓશવાળ આયુષ હોસ્પિટલમાં ઘણાં બધાં રોગોની સારવાર ઉપલબ્ધ છે, એમ સરકારના રેકોર્ડ પર જણાવાયું છે.