Mysamachar.in-જામનગર:
સમગ્ર રાજ્યની માફક જામનગર શહેર પણ ‘ગોકુળિયું ગામ’ છે. જામનગર શહેરના વિવિધ રહેણાંક સહિતના વિસ્તારોમાં અને મોટાભાગના મુખ્ય રસ્તાઓ પર ઠેરઠેર પશુઓના ટોળાં જોવા મળે છે. કોર્પોરેશનની 2 ટીમ, 2 શિફટમાં કામ કરે છે અને ઢોર પકડે છે. શહેરના 124 ચોરસ કિલોમીટરના વિસ્તારોમાંથી કોર્પોરેશન દર 24 કલાકે માત્ર 16 પશુઓ પકડી શકે છે. નગરજનોની લાગણીઓ એવી છે કે, કોર્પોરેશને પશુઓ પકડવાની કામગીરીઓ ઝડપથી અને મોટાપાયે કરવી જોઈએ.
મહાનગરપાલિકા સૂત્રોના જણાવ્યા અનુસાર, ગત્ સપ્તાહે શહેરમાંથી 115 પશુઓ પકડવામાં આવ્યા. ગત્ રોજ મહાનગરપાલિકાએ શહેરમાંથી 5,320 કિલોગ્રામ ઘાસ કબજે લીધું છે. કોર્પોરેશન હસ્તકના બેડેશ્વર ઢોરવાડામાં 169 ગાય, હાપા ગૌશાળામાં 460 ગાય અને રણજિતસાગર ખાતે આવેલાં ઢોરવાડામાં 398 ખૂંટીયા રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત એક પશુનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ રૂ. 10,700 લેખે કુલ 1,038 પશુઓને કુલ રૂ. 1,11,06,600ના ખર્ચે કચ્છના અબડાસા મોકલવામાં આવ્યા છે.