Mysamachar.in-અમદાવાદઃ
ગુરુવારે જામનગર સહિત રાજ્યભરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઢંકાઇ ગયું છે અને ઝરમર વરસાદ શરૂ થયો છે. તો કચ્છ અને જૂનાગઢમાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર કમોસમી વરસાદ પડી રહ્યો છે. આ અંગે હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું કે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના કારણે આગામી 48 કલાકમાં રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા દેખાઇ રહી છે. ગત 24 કલાકથી રાજ્યમાં અનેકસ્થળોએ વરસાદી માહોલ જામેલો છે, જેમાં રાજકોટ, જૂનાગઢ અને કચ્છમાં વીજળીના કડાકા ભડાકા અને કરા સાથે વરસાદ પડી રહ્યો છે. કચ્છમાં છેલ્લા બે દિવસથી વરસાદી ઝાપટા પડી રહ્યાં છે. જેમાં માતાના મઢથી ખાવડા અને આસપાસના વિસ્તારોમાં કરા સાથે 2 ઈંચ સુધીનો વરસાદ પડ્યો છે. આજે બપોર બાદ જામનગરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી માહોલ જામ્યો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં ઝરમર વરસાદ પડી રહ્યો છે.