ગુજરાતમાં ખાસ કરીને સરકારી શિક્ષણમાં કેવી ચિંતાપ્રેરક સ્થિતિઓ છે તે અંગે અત્યાર સુધીમાં ઘણાં અહેવાલો પ્રગટ થયા છે. આ પ્રકારનો વધુ એક ખુદ સરકારનો રિપોર્ટ બહાર આવ્યો છે, જે દર્શાવે છે કે, ગુજરાત સરકારનું સૂત્ર ‘ભણે ગુજરાત’ ખોટું પડી રહ્યું છે !
કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા એક રિપોર્ટ જાહેર થયો છે. આ રિપોર્ટનું નામ છે યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ ઓફ એજ્યુકેશન પ્લસ એટલે કે UDISE plus. આ સરકારી રિપોર્ટ કહે છે: ગુજરાતમાં માત્ર 1 જ શિક્ષક હોય તેવી શાળાઓની સંખ્યામાં 1,182નો વધારો થયો છે અને આવી શાળાઓની સંખ્યા વધીને 2,936 થઈ ગઈ છે. એથી ઉલટું..આ પ્રકારની શાળાઓમાં 2 વર્ષ અગાઉ વિદ્યાર્થીઓની સંખ્યા 30,000 હતી, તે વધીને 1,00,000 ને પાર પહોંચી ગઈ છે.
આ રિપોર્ટ વધુમાં કહે છે, ગુજરાતમાં શાળાઓની સંખ્યા ઘટતી ગઈ છે અને હાલ 53,355 શાળાઓ છે, જેની સાથેસાથે નિવૃતિ જેવા કારણસર શિક્ષકોની સંખ્યામાં 5,000નો ઘટાડો થયો છે. આ પ્રકારની સ્થિતિઓ વચ્ચે ‘ભણે ગુજરાત’ સૂત્ર કેવી રીતે સાર્થક થઈ શકે ? ગુજરાતમાં 1 થી 5 ધોરણમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં 45.67 લાખ વિદ્યાર્થીઓ ઘટી ગયા. ધોરણ 6 થી 8 માં 31.93 લાખ, ધોરણ 9 અને 10માં 17.17 લાખ અને ધોરણ 11-12માં વિદ્યાર્થીઓની સંખ્યામાં 10.82 લાખનો ઘટાડો થયો. આ આંકડાઓ વર્ષ 2024-25 ના છે.
જો કે શિક્ષકો પાસે અગાઉની સરખામણીએ શિક્ષકદીઠ વિદ્યાર્થીઓ ઓછાં થયા છે. જેને કારણે શિક્ષક વિદ્યાર્થીઓ પર વધુ ધ્યાન આપી શકે. ડ્રોપ આઉટ દરમાં પણ ઘટાડો થયો છે. એકંદરે ગુજરાતમાં ખાસ કરીને સરકારી શિક્ષણના વિષયમાં સ્થિતિઓ સંતોષકારક ન હોવાનું ચિત્ર તો છે જ.