Mysamachar.in-જામનગર:
ગત્ ઓગસ્ટમાં ખાસ કરીને ઓગસ્ટના અંતિમ સપ્તાહ દરમિયાન જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં મેઘરાજાએ અનરાધાર પાણી ઠાલવતાં અતિવૃષ્ટિ અને લીલા દુકાળ જેવી સ્થિતિઓ સર્જાઈ હોય, લાખો ખેડૂતો ચિંતાગ્રસ્ત છે. જો કે, જામનગરમાં તંત્ર દ્વારા અતિવૃષ્ટિ નુકસાન માટેની સર્વે કામગીરીઓ પૂર્ણ થઈ ગઈ છે પરંતુ કેટલાં ખેડૂતોને કુલ કેટલું આર્થિક નુકસાન થયું- એ આંકડો ગાંધીનગરથી આગામી દિવસોમાં જાહેર થશે.

જામનગરના ખેતીવાડી અધિકારી રિતેશ ગોહિલએ Mysamachar.in સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, સમગ્ર જિલ્લામાં કોઈ જ વાંધાવચકા વિના અતિવૃષ્ટિ નુકસાનની સર્વે કામગીરીઓ પૂર્ણ થઈ છે. સરકારના નિયમો અનુસાર, જે ખેડૂતોના વાડી ખેતરોમાં 33 ટકા અથવા તેથી વધુ નુકસાન થયું છે તેમની સંપૂર્ણ વિગતો, સરકારમાં મોકલવામાં આવી છે. નિયમો મુજબ, આ નુકસાન સર્વેના માપને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા નુકસાન સહાયના આંકડાઓ જાહેર કરવામાં આવશે. હાલમાં જિલ્લાના તાલુકામથકોએથી તાલુકાવાઈઝ-ગામ વાઈઝ નુકસાન શીટ આવી ન હોય, ક્યા તાલુકામાં વધુ અથવા ઓછું નુકસાન થયું છે, તે હાલ જાહેર થઈ શકે નહીં. જિલ્લાના તમામ ગામોના સર્વેની શીટ ટીમોએ જમા કરાવી દીધી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર જિલ્લામાં મગફળી અને કપાસ સહિતના વિવિધ પાકોમાં નોંધપાત્ર નુકસાન થયું છે. તમામ 418 ગામોની કુલ 3,42,305 હેક્ટર જમીનમાં થયેલાં વાવેતર પૈકી 66,116 હેક્ટર જમીન પરના પાકોને નુકસાન થયું છે. એટલે કે, જિલ્લામાં લગભગ પાંચમા ભાગની ખેતી (19.31 ટકા) ધોવાઈ ગઈ છે. અને, જિલ્લામાં કુલ 49,864 ખેડૂતોને નુકસાન થયાનું સર્વેમાં બહાર આવ્યું છે. આ સર્વે કામગીરીઓ એક મહિનો ચાલી, જેમાં અન્ય જિલ્લાઓના 30 ગ્રામસેવકોની પણ સેવાઓ લેવામાં આવી હતી. 6 તાલુકામાં કુલ 47 ટીમ દ્વારા સર્વે કામગીરીઓ હાથ ધરવામાં આવી હતી.(file image)
