Mysamachar.in: ગાંધીનગર
સામાન્ય રીતે ગુજરાતી આસો માસમાં ભાદરવાના તડકા પછીનું ખુશનુમા વાતાવરણ અનુભવવા મળતું હોય છે પરંતુ આ આસોમાં હજુ આપણે સૌ ઉકળાટ અનુભવી રહ્યા છીએ અને હવામાન વિભાગ પણ કહે છે, હજુ એક સપ્તાહ વાતાવરણની ગરમી ઉત્તર અને પશ્ચિમ ભારતને અકળાવી શકે છે.
દરમિયાન, હવામાન વિભાગ એમ પણ કહે છે: આગામી ચાર પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલી સહિતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહીઓ મુજબ, 15-17 ઓક્ટોબર બાદ વાતાવરણમાં હળવી ટાઢકનો પ્રવેશ થઈ શકે છે.
હાલમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં સરેરાશ 35-38 ડિગ્રી તાપમાન અનુભવવા મળી રહ્યું છે. રાત્રે પણ ઠંડક ફીલ થતી નથી. નોરતાના ખેલૈયા પણ પરસેવે રેબઝેબ હોય છે. મોટાભાગના ઘરોમાં રાત્રે પણ એસી ઓન જ રહે છે. સવારે પણ દિવસનો પ્રારંભ ગરમીથી થાય છે અને બપોરે આકરો તડકો પડે છે તથા સાંજે પણ હળવા વાદળિયા વાતાવરણને કારણે તથા પવનની ગેરહાજરીને કારણે લોકો ગરમીથી છૂટકારો મેળવી શકતા નથી. ત્યારે, હવામાન વિભાગ કહે છે: 17 ઓક્ટોબર આસપાસ ઉત્તર ભારતથી હળવી ઠંડકનો આરંભ થઈ શકે છે. એટલે કે, એક અઠવાડિયું હજુ ઉકળાટ.