Mysamachar.in-જામનગર:
જામનગરીઓના દિલ મોટાં એવું કહેવાય છે પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો મામલો ચિંતાપ્રેરક છે- જામનગરીઓના હ્રદય નબળાં પડવાની ટકાવારી વધી ગઈ છે. વસતિની દ્રષ્ટિએ, રાજ્યના અન્ય શહેરોની સરખામણીએ જામનગરમાં હ્રદય સંબંધિત બિમારીઓ વધી ગઈ છે !!
સુરત જિલ્લાની વસતિ 80 લાખ છે, જામનગર જિલ્લાની વસતિ 13 લાખ આસપાસ છે. સુરતમાં વર્ષ 2023માં હ્રદય સંબંધિત બિમારીઓ માટેના 108ને મળેલા કોલ 5,408 રહ્યા. એ રીતે જોઈએ તો જામનગર જિલ્લામાં 900 કોલ લેખાય. પરંતુ જામનગરમાં કોલની સંખ્યા 2,882 રહી !! એ જ રીતે, સુરતમાં 2024માં કોલની સંખ્યા 6,805 રહી. એ પ્રમાણમાં જામનગરમાં આવા કોલની સંખ્યા 1,100-1,200 હોવી જોઈએ. તેને બદલે જામનગરમાં 108ને હ્રદય સંબંધિત બિમારીઓના કોલ 3,111 થયા !!
જામનગર માફક રાજકોટમાં તેમજ અમદાવાદમાં પણ સ્થિતિ ચિંતાજનક છે. હ્રદય સંબંધિત બિમારીઓના કોલની સંખ્યા વસતિના પ્રમાણમાં, સુરતની સરખામણીએ ઘણી વધુ છે. અને, જામનગરના જ આ બે વર્ષના આંકડા ગણો તો પણ, 12 ટકાનો તોતિંગ ઉછાળો નોંધાયો. તણાવ અને મોજમજાવાળી લાઈફ સ્ટાઈલ જીવલેણ સાબિત થઈ રહી છે.
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં હ્રદય સંબંધિત બિમારીઓના કોલમાં 16 ટકાનો વધારો થયો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 2023માં 1,001 કોલ હતાં. અને, 2024માં કોલની સંખ્યા 1,145 રહી. જામનગર સહિત સમગ્ર રાજ્યમાં આજે પણ યુવાનોના જે અચાનક મોત થઈ રહ્યા છે, તેનું સાચું કારણ આધારપુરાવા સાથે કોઈ કહી શક્યું નથી, સરકાર પણ નહીં. અને, એ પણ ઉલ્લેખનિય છે કે, આવા મોતમાં સરકાર પોસ્ટમોર્ટમ ફરજિયાત કરતી નથી. લોકોએ વ્યાયામ, તેલ-ઘી નો ઓછો ઉપયોગ, શાકભાજી ફળોનો વધુ ઉપયોગ, પ્રદૂષણ, તણાવ અને વ્યસન મુક્તિ જેવી બાબતો અંગે ગંભીર રીતે વિચારવું પડશે જ, નહીં તો આવા કારણોસર મોત ટપોટપ થતાં જ રહેશે.(symbolic image)