Mysamachar.in-જામનગર:
આવતીકાલે 1 થી 7 એપ્રિલ દરમિયાન સાત દિવસ જામનગર સહિત સમગ્ર રાજ્યમાં હ્રદયરોગના દર્દીઓની માઠી શરૂ થશે. આ ખબર ખૂબ જ આંચકારૂપ છે. ખાનગી હોસ્પિટલો અને સરકાર વચ્ચેનો ગજગ્રાહ હજારો દર્દીઓ માટે ભયાનક મુશ્કેલીઓ સર્જી શકે છે. કેમ કે, આ હોસ્પિટલોની માંગ અંગે સરકાર કોઈ જ પ્રતિભાવ આપી રહી ન હોય, હોસ્પિટલોએ અસહકારનું હથિયાર ઉગામી દીધું છે.
મામલો એવો છે કે, સરકારના આયુષ્યમાન કાર્ડ, PMJAY અંતર્ગત સરકારી ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં પણ હ્રદયરોગ સંબંધિત સારવાર અને ઓપરેશન થતાં હોય છે. પરંતુ સરકારે આ સંબંધે ખાનગી હોસ્પિટલોને આપવામાં આવતું મહેનતાણું માંગ મુજબ વધારી આપવાને બદલે ઘટાડી નાંખ્યુ. આથી ખાનગી હોસ્પિટલો નારાજ છે. આ નારાજગી વ્યક્ત કરવા ખાનગી હોસ્પિટલો આગામી એક સપ્તાહ દરમિયાન હ્રદયરોગ સંબંધિત સારવાર કે ઓપરેશન કરશે નહીં. અહીં ચિંતાઓ એ છે કે, આ ‘હડતાલ’ દરમિયાન જામનગર સહિત સમગ્ર રાજ્યમાં હ્રદયરોગના દર્દીઓની હાલત કેવી કફોડી થશે ?!
ગુજરાત ઈન્ટરવેશનલ કાર્ડિયોલોજિસ્ટ્સ ફોરમની જામનગર શાખા કહે છે, મહેનતાણું એટલું ઓછું છે કે, આ દરે દર્દીઓને ઉચ્ચ ક્વોલિટી ધરાવતી સારવાર આપવી ખાનગી હોસ્પિટલ માટે શક્ય નથી. 10 વર્ષ દરમિયાન સરકારે આ દર માત્ર 1.2 ટકા વધારી આપ્યો. જેની સામે મોંઘવારી 6.5 ટકા વધી છે. દર વધારી આપવાની માંગ સરકાર સ્વીકારતી નથી. આ ઉપરાંત હોસ્પિટલોએ સરકારને એમ પણ કહેલું છે કે, સ્થળ પર CVTS એટલે કે કાર્ડિયો થોરાસિક એન્ડ વેસ્કયુલર સર્જરીની ફરજિયાત હાજરીનો નિયમ પણ વાસ્તવિક નથી, અવ્યવહારૂ છે.
જામનગરમાં તથા રાજ્યમાં આ સંબંધે 20 માર્ચ સુધીમાં કલેક્ટર ઓફિસ તથા જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી સમક્ષ પણ હોસ્પિટલોએ રજૂઆત કરેલી છતાં સરકાર તરફથી કોઈ હકારાત્મક વલણ દેખાડવામાં આવ્યું ન હોય, 1 થી 7 એપ્રિલ દરમિયાન આ તમામ ખાનગી હોસ્પિટલો હ્રદયરોગના દર્દીઓની સારવાર PMJAY હેઠળ આ સાત દિવસ કરશે નહીં. દર્દીઓ માટે ગંભીર સંકટ ઉભું થઈ શકે છે. આ હોસ્પિટલોએ સરકારને અનુરોધ કર્યો છે કે, આ મુદ્દે સરકારે ફોરમ સાથે ઝડપથી વાતચીત કરી આ સમસ્યાઓનો નિવેડો લાવવો જોઈએ.(Symbolically image)