Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજયમાં નાનું નાનું બચ્ચુ પણ ઘણાં સમયથી જાણે છે કે, રાજયમાં લગભગ બધાં જ વિસ્તારોમાં બાળકો, તરુણો અને યુવાનો અચાનક ઢળી પડે છે અને મોતનો કોળિયો બની રહ્યા છે. સર્વત્ર ચિંતાઓ અને શોકનો ગમગીન માહોલ છે. ઠેર-ઠેર કિલર હાર્ટએટેકની ચર્ચાઓ છે, આમ છતાં રાજયના આરોગ્યમંત્રી અત્યાર સુધી આ સંવેદનશીલ મુદ્દે સુસ્ત રહ્યા.! પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલએ આરોગ્યમંત્રીને પરસેવો વળી જાય તેવું નિવેદન જાહેરમાં આપી દેતાં સરકાર હાંફળી-ફાંફળી થઈ ગઈ અને આરોગ્યમંત્રીને પોતાની ફરજ યાદ આવી,
આરોગ્યમંત્રી ૠષિકેશ પટેલએ યુએન મહેતા હોસ્પિટલના હ્રદયરોગ નિષ્ણાંતો સાથે તાકીદે આ મુદ્દે બેઠક યોજી. તબીબોનું માર્ગદર્શન મેળવી લીધું. નાની વયના અને યુવાઓ હાર્ટએટેકથી ટપોટપ મરી રહ્યા છે- તે મામલાની ગંભીરતા મંત્રીને અચાનક સમજાઈ ગઈ. બે દિવસ અગાઉ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલએ કિલર હાર્ટ એટેક મુદ્દે સર્વે અને સ્ટડી પર ભાર મૂકતું જાહેર નિવેદન આપ્યા બાદ સરકારને પરસેવો વળવો શરૂ થયો. કેમ કે આનંદીબહેન જે સ્ટેજ પરથી આ બોલી રહ્યા હતાં એ જ સ્ટેજ પર આરોગ્યમંત્રી પણ બિરાજમાન હતાં. ઉત્તર ગુજરાતમાં પાટીદારોના એક કાર્યક્રમમાં આમ બનેલું.
રાજયમાં ઘણાં મોત એવા નોંધાઈ રહ્યા છે જેમાં ભોગ બનનાર હ્રદયરોગના કોઈ જ લક્ષણો અગાઉ ન ધરાવતાં હોય છતાં અચાનક હાર્ટએટેકથી મોતને ભેટે એવા બનાવોની સંખ્યા ઘણાં દિવસોથી વધી રહી છે. અને એમાં પણ યુવાનો અને તરુણોના મોત સમગ્ર રાજયમાં ફફડાટ ફેલાવી રહ્યા છે. કોરોના નામની બિમારી અને કોરોના રસી પણ ચર્ચાઓમાં છે. આથી આરોગ્યમંત્રીએ સંબંધિતો સૌને જણાવ્યું છે કે, કોરોનાકાળ પહેલાંના વરસોમાં, કોરોનાકાળ દરમિયાનના અને હાલના વરસોમાં લોકોના હાર્ટ એટેકથી થતાં મોતના કિસ્સાઓ અંગે પદ્ધતિસરનો સર્વે અને અભ્યાસ થવો જરૂરી છે.
જો કે તેઓએ એમ પણ કહ્યું કે, કોઈએ પેનિક ફેલાવવાની જરુર નથી. સૌએ જાગૃતિ દાખવવાની જરૂરિયાત છે. લોકજાગૃતિ માટે સરકાર એક્શન પ્લાન અમલમાં મૂકવાની દિશામાં આગળ વધી રહી છે તેમ પણ આરોગ્યમંત્રીએ કહ્યું છે. વિપક્ષ પણ હવે સરકાર પર આ મુદ્દે દબાણ લાવવાની રણનીતિ દાખવી રહયો છે. લોકો એમ પણ કહી રહ્યા છે, હાલમાં થઈ રહેલાં આ પ્રકારના મોતના કેસમાં સંબંધિત તબીબોએ સતાવાર કારણો દર્શાવવા જોઈએ. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ જાહેર થવા જોઈએ. ટૂંકમાં, આ સમગ્ર મામલો હાલ અતિ ગંભીર અને સંવેદનશીલ બની ગયો છે.