Mysamachar.in-સુરત:
જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાત અને દેશભરમાં છેલ્લાં કેટલાંક મહિનાઓથી નાની વયના અને યુવાન વયના લોકોના સડન ડેથ એટલે કે અચાનક મોત થઈ રહ્યા છે. આ પ્રકારનું પ્રત્યેક મોત, આસપાસની દુનિયામાં ઘેરા શોક અને અચરજની લાગણીઓને જન્મ આપે છે અને મોતસંબંધે તથા ઈવન કોરોના વેકસીન સંબંધે પણ, અનેક પ્રકારની ચર્ચાઓની ઘુમરીઓ પેદાં કરે છે. આ પ્રકારના મોત અંગે મોઢા એટલી વાતો થઈ રહી છે પરંતુ છાતી ઠોકીને બોલવાની સ્થિતિમાં કોઈ નથી, કારણ કે આ આખી બાબતને ગંભીરતાથી હજુ લેવામાં આવી નથી.
થોડા સમય અગાઉ માધ્યમોમાં એવી ચર્ચાઓ ચાલી હતી કે, આ પ્રકારના કમોત સાથે કયાંક ને ક્યાંક વેકસીન સંકળાયેલી હોય શકે છે ! ત્યારબાદ, એકલદોકલ નિષ્ણાંતો આ અંગે માધ્યમોમાં સ્પષ્ટતાઓ કરતાં સંભળાયા. જો કે આવી કથિત સ્પષ્ટતાઓ ખુદ સ્પષ્ટ ન હતી, ગોળગોળ વાતો થતી રહી અને સાથે-સાથે અચાનક મોતના બનાવો આજની તારીખે પણ નોંધાઈ રહ્યા છે જેના તબીબી કારણો સત્તાવાર રીતે જાહેર થતાં નથી, સૌ દબાતાં અવાજે બોલે છે.
બીજી તરફ આ પ્રકારના મોત તથા વેકસીનની વિશ્વસનીયતા સંદર્ભે એકાદ બે મામલા અદાલતોમાં પણ પહોંચેલાં પરંતુ અદાલતે આ પ્રકારની મેડિકલ બાબતમાં ખાસ કોઈ દિલચસ્પી દાખવી ન હતી અને એક રીતે વેકસીનને આડકતરી ક્લીનચિટ પણ આપી દેતાં, ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકાઈ જશે એવું દેખાતું હતું. પરંતુ મામલો અહીં પૂરો થયો નથી, કેમ કે યુવાવયના લોકોના સડન ડેથ આજે પણ થઈ રહ્યા છે જ, જે અંગે ગળે ઉતરે તેવો જવાબ લોકોને હજુ મળતો નથી.
થોડાં સમય અગાઉ દેશની મેડિકલ ક્ષેત્રની સૌથી મોટી સંશોધન સંસ્થા ICMR ના વૈજ્ઞાનિકોએ પણ જાહેર કરી દીધું કે, આ પ્રકારના મોતના મામલાઓમાં ક્યાંય વેકસીન જવાબદાર નથી. બીજી તરફ કેન્દ્રીય આરોગ્યમંત્રીએ પણ આ મામલે નિવેદન આપી, આ પ્રકારના મોત સંબંધે ચર્ચાઓ શાંત કરવા પ્રયાસ કર્યો હતો. એ પછી પણ પ્રશ્ન હજુ ત્યાં જ છે, લોકો એકમેકને પૂછે છે: આ પ્રકારના, નાની વયના લોકોનાં મોત હજુ કાં થઈ રહ્યા છે ?! લોકોને આ પ્રશ્નનો ભરોસાપાત્ર જવાબ મળતો નથી !!
દરમિયાન, એક ઘટનાક્રમ બન્યો છે, તે જાણવા જેવો છે, શક્ય છે તેમાંથી આડકતરો જવાબ અથવા સંકેત મળી શકે. આ ઘટનાક્રમ એવો છે કે, આ પ્રકારના મોત સંબંધે ICMR સમક્ષ એક RTI અરજી આવી. જેમાં વિસ્તૃત જવાબોની માંગ કરવામાં આવી, સમયમર્યાદામાં ICMR એ આ અરજીનો જવાબ આપ્યો નહીં. આથી અરજદાર પ્રથમ અપીલમાં ગયા, તો પણ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નહીં, અરજદાર બીજી અપીલમાં ગયા, ત્યારબાદ 44 દિવસ પછી અરજદારને જવાબ આપવામાં આવ્યો.
આ RTI અરજીના જવાબ પરથી જાણવા મળે છે કે, આ પ્રકારના નાની વયના લોકોના મોતના હજારો કિસ્સાઓનો અભ્યાસ કરવાને બદલે, માત્ર 777 કેસનો સ્ટડી કરવામાં આવ્યો. આ કેસ ચોક્કસ રીતે પસંદ કરવામાં આવ્યા. જેમાં એક પણ કેસમાં આ પ્રકારના મૃતકના દેહનું પોસ્ટમોર્ટમ થયું નથી, માત્ર મૌખિક વાતો અને અનુમાનો જાહેર કરવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ બાદ મોતના જે કારણો રજૂ થવા જોઈએ, તે ક્યાંય થતાં નથી કેમ કે પોસ્ટમોર્ટમ જ થતું નથી. મૃતકોના પરિવારજનો સાથે મૃતકના જિવન અને રોગો સંબંધે તથા મોત સંબંધે વાતચીતો કરવામાં આવે છે, આવી છે, તેનાં પરથી સડન ડેથ અંગે અનુમાનો થયા છે, આ બધી જ બાબતો RTI અરજીના જવાબમાં બહાર આવી છે.
આ અરજદારને ICMR તરફથી જે જવાબો આપવામાં આવ્યા છે તેમાં જાણવા મળે છે કે, 18 થી 45 વર્ષની વયના સડન ડેથના અભ્યાસની સેમ્પલ સાઈઝ ખૂબ નાની, ગુજરાતની 3 સહિત દેશની 47 હોસ્પિટલના કુલ 777 કેસનો અભ્યાસ ICMR દ્વારા કરવામાં આવેલો. ICMR એ આવા યુવામોતના સચોટ તબીબી કારણો શોધવાને બદલે વેકસીનને નિર્દોષ સાબિત કરવા કસરતો કરી. આ બધાં જ અચાનક મોત એવા હતાં જે મોતની 48 કલાક અગાઉ એકદમ સ્વસ્થ હતાં.
આ RTI અરજી સુરતથી થઈ હતી. આ સ્ટડી વર્બલ ઓટોપ્સી એટલે કે મૌખિક ચર્ચાઓ પર આધારિત છે. જે રીતે યુવા મોતના કેસ વધી રહ્યા છે તે જોતાં સચોટ કારણો શોધવા, ખરેખર તો યુવાઓનું મોટી સંખ્યામાં કાર્ડિયાક હેલ્થ સ્ક્રીનિંગ થવું જોઈએ. અને સડન ડેથના કેસમાં વૈજ્ઞાનિક ઢબે ઓટોપ્સી થવી જોઈએ.સુરતના આ અરજદારે આ અરજી દિલ્હી ICMR ને કરી હતી, દિલ્હીએ આ અરજી છેક ચેન્નાઈ મોકલી દીધી, શરૂઆતમાં તો એવો જ જવાબ અપાયો હતો કે, માહિતી ઉપલબ્ધ નથી.
ખરેખર તો આવા મોતના ખરાં કારણો જાણવા શબનું વૈજ્ઞાનિક પરીક્ષણ થવું જોઈએ. મૃતદેહની હિસ્ટોપેથોલોજિકલ તપાસથી મોતનું સચોટ કારણ જાણી શકાય. જે કરવામાં આવતી નથી. હોસ્પિટલમાં આવા યુવા મોતનો કેસ આવે એટલે પ્રથમ તો, તરત જ લોહીનું સેમ્પલ લઈ લિપિડ પ્રોફાઇલ (લાઈપાપ્રોટીન-એ), હોમોસિસ્ટીન અને વિટામિન B-12 ના લેવલની તપાસ થવી જોઈએ, જે કરવામાં આવતી નથી. જે કેસમાં આમ શક્ય ન બન્યું હોય, તેવા કેસમાં તે જ પરિવારના એ વયજૂથના અન્ય સભ્યની લિપિડ પ્રોફાઇલ લઈ શકાય.
મૃતકની ડિટેઈલ તબીબી હિસ્ટ્રીની લેખિત તપાસ થવી જોઈએ. આ અભ્યાસમાં મોટી સંખ્યામાં કેસોનો સમાવેશ કરવો જોઈએ. સ્ક્રીનિંગમાં ધબકારની અનિયમિતતાઓનો પણ અભ્યાસ થવો જોઈએ કારણ કે, અચાનક મોતનું કારણ આ પણ હોય શકે છે. જેને તબીબી ભાષામાં એરિથમીયા કહે છે. ટૂંકમાં, આ આખો વિષય મોટાપાયા પર હાથ ધરવો જોઈએ એવું નિષ્ણાંતોએ જણાવ્યું છે.