Mysamachar.in-ગાંધીનગર:
સમગ્ર રાજ્યમાં કેટલાં લોકો ક્યા પ્રકારની બિમારીઓ ધરાવે છે અને ક્યા પ્રકારની બિમારીઓનું પ્રમાણ કેટલું છે, વગેરે આંકડા જાહેર થયા છે. જો કે આ આંકડા સમગ્ર રાજ્યની સ્થિતિ દર્શાવતાં નથી, કેમ કે રાજ્યની 7 કરોડની વસતિ પૈકી માત્ર 2.54 કરોડ લોકોના જ આરોગ્યની ચકાસણીઓ થઈ છે અને તેનાં આંકડા જાહેર થયા છે. એટલે રાજ્યમાં બિમારીઓનું વાસ્તવિક પ્રમાણ આ આંકડા કરતાં વધુ મોટું અને બિહામણું હોય, એ સમજી શકાય તેવી બાબત છે.
આધુનિક જીવનશૈલીને કારણે સમાજમાં હાઈપર ટેન્શન અને ડાયાબીટીસ જેવા રોગોનાં પ્રમાણમાં સતત અને ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં તાજેતરમાં થયેલાં સ્ક્રીનિંગના આંકડા કહે છે: 16.23 લાખ લોકો હાઈપર ટેન્શનથી અને 11 લાખથી વધુ લોકો ડાયાબીટીસના રોગથી પિડાઈ રહ્યા છે.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આ આંકડાઓ જાહેર થયા છે. ગુજરાત અને ભારત સહિત સમગ્ર વિશ્વમાં બિનચેપી રોગોના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. વધુ પડતો શ્રમ, તણાવ, અપૂરતી ઊંઘ અને બેઠાડુ જીવન તથા ખાવાપીવાની અયોગ્ય આદતોને કારણે પણ આ પ્રકારના રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. રાજ્યના તમામ આરોગ્ય કેન્દ્રથી માંડીને હોસ્પિટલ સુધી દર શુક્રવારે દર્દીઓનું વિનામૂલ્યે આરોગ્ય સ્ક્રીનિંગ કરવામાં આવે છે. આ ઉપરાંત બુધવારે બહેનોની આરોગ્ય ચકાસણીઓ કરવામાં આવે છે. તેમાં આ આંકડાઓ બહાર આવ્યા છે.
આ પ્રકારના સ્ક્રીનિંગ દરમિયાન કેન્સર, લકવા અને હ્રદયરોગ જેવા વિવિધ રોગોની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ વખતે આ સ્ક્રીનિંગ માટે 3.69 કરોડ નાગરિકોની નોંધણી કરવામાં આવી. જે પૈકી 3.43 કરોડ લોકોએ કોમ્યુનિટી બેઝડ આરોગ્ય ચકાસણીઓ માટે ચેક લિસ્ટ ભર્યું. અને તે પૈકી 2.54 કરોડ લોકોના આરોગ્યનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. તેમાં આ આંકડાઓ બહાર આવ્યા.