Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાએ શહેરના અંદાજે 2 લાખ નગરજનો માટે નવી આરોગ્ય સુવિધાઓ રૂ. 23.37 કરોડના ખર્ચે વિકસાવીને આ ક્ષેત્રમાં હરણફાળ ભરી છે. શહેરના બે અલગ-અલગ છેવાડાના વિસ્તારોમાં આ આરોગ્ય સુવિધાઓ વિકસાવવામાં આવી હોય, શહેરની જીજી હોસ્પિટલ પરનું ભારણ એટલાં પ્રમાણમાં ઘટશે અને લોકોને આ સુવિધાઓ ઘરથી નજીક ઉપલબ્ધ થવાથી સમય, શક્તિ અને નાણાંની બચત થશે.
જામનગર મહાનગરપાલિકાએ શહેરના લાલપુર રોડ તરફ પંપહાઉસ પાછળના ભાગે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી અમદાવાદની બેંચમાર્ક કન્સલ્ટન્ટ દ્વારા પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા બાદ વેલ બિલ્ટ ઇન્ડીયા નામની પેઢી દ્વારા આ કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે.રૂ. 13.29 કરોડના ખર્ચથી શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કર્યું છે. અહીં 50 બેડની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. અહીં 3,480 ચોરસ મીટર બાંધકામ ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ બે માળ એ રીતે કરવામાં આવ્યું છે. અને ભવિષ્યમાં અહીં વધારાનો એક માળ બનાવવો હશે તો પણ બનાવી શકાશે. એ માટેની જોગવાઈ રાખવામાં આવી છે.
આ UCHC માં માયનોર ઓપરેશન થિયેટર અને સોનોગ્રાફી તેમજ વિવિધ પ્રકારની 6 OPD અને લેબોરેટરી, લિફ્ટ, પાણી તથા સેનિટેશન માટેના બ્લોક સાથે તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ વિસ્તારોમાં રહેતાં આશરે દોઢ લાખ લોકોને આ સુવિધાઓનો લાભ ઘરથી નજીક મળી રહેશે. અહીં ટોઈલેટ બ્લોક સાથે પુરૂષ અને મહિલાઓ માટે બે અલગઅલગ વોર્ડ બનાવવામાં આવ્યા છે.
આ નાની પરંતુ આધુનિક હોસ્પિટલ શહેરના રણજિતસાગર રોડ પર આવેલાં વિસ્તારો જેવા કે, સરસ્વતી પાર્ક, સરદાર પાર્ક, નંદનવન, સાધના કોલોની, ગ્રીન સિટી, ઈવા પાર્ક, પટેલ પાર્ક, જડેશ્વર પાર્ક, મયૂર ગ્રીન્સ તથા પટેલનગર સહિતના મોટા અને અન્ય પેટા વિસ્તારોના લોકોને ખૂબ ઉપયોગી થશે. આધુનિક આરોગ્યલક્ષી સારવાર નજીકમાં ઉપલબ્ધ થશે.
આ ઉપરાંત આવી એક નાની અને આધુનિક હોસ્પિટલ UCHC તરીકે રૂ. 10.08 કરોડના ખર્ચથી શહેરના હાપા માર્કેટ યાર્ડ રોડ પર અમદાવાદની બેંચમાર્ક કન્સલ્ટન્ટ દ્વારા પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા બાદ બી.જે.ઓડેદરા નામની પેઢી દ્વારા આ કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે, અહીં પણ 50 બેડની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ હોસ્પિટલમાં પણ તમામ આરોગ્યલક્ષી સારવાર ઉપલબ્ધ થશે. આ વિસ્તારોના અંદાજે દોઢ લાખ લોકોને આ હોસ્પિટલ ઉપયોગી સાબિત થશે. કાલાવડ નાકા બહારનો સમગ્ર વિસ્તાર, લાલવાડી વિસ્તાર, મહાપ્રભુજી બેઠક આસપાસના વિસ્તારો તથા હાપા આસપાસના તમામ વિસ્તારોના લોકો માટે આ આરોગ્ય સુવિધાઓ આશિર્વાદ સાબિત થશે. આ હોસ્પિટલ ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત એક માળ ધરાવે છે. આ બંને UCHC શહેરના વિકસી રહેલા અને વિકસિત થઈ ચૂકેલા સેંકડો વિસ્તારોના લોકો માટે આરોગ્ય સુવિધાઓ મામલે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. એકંદરે લાખો નગરજનોની આરોગ્ય સુવિધાઓમાં વધારો થયો છે.
આ બન્ને સુવિધાઓથી સજ્જ આરોગ્ય કેન્દ્ર અહી હવે ટૂંક સમયમાં શરુ થયેથી આ બન્ને આરોગ્ય કેન્દ્ર આસપાસના ત્રણ લાખ લોકોને સીધી જ આરોગ્યલક્ષી સારવાર સુવિધાઓ ઘર નજીક જ મળી જશે અને હોસ્પીટલના દુર સુધીના ધક્કામાંથી મુક્તિ મળી જશે. આ બન્ને મહત્વના પ્રોજેક્ટ જામનગર શહેરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, સાંસદ પુનમબેન માડમ, મેયર વિનોદ ખીમસુર્યા, સ્ટે.કમિટી ચેરમેન નિલેશ કગથરા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા સહિતના મહાનુભાવોના સંકલનથી મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી અને સીટી ઈજનેર ભાવેશ જાનીના સીધા માર્ગદર્શનમાં કામ પૂર્ણ કરવામાં આવ્યું છે અને આગામી થોડા દિવસોમાં સંગઠન પાંખ સાથે સંકલન સાધી બન્ને સામુહિક આરોગ્ય કેન્દ્રોને લોકોની સેવામાં ખુલ્લા મુકવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે.
-સ્પેશિયલિસ્ટ તબીબોની ભરતી પ્રક્રિયા પ્રગતિમાં
મનપાના અધિકારીએ જણાવ્યું કે જામનગર મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય કેન્દ્રો તો તૈયાર કરવામાં આવ્યા છે પણ સાથો સાથ આ કેન્દ્રોમાં ગાયનેકોલોજિસ્ટ, પીડીયાટ્રીશીયન સહિતના ખાસ તબીબોની ભરતી કરવાની કાર્યવાહી પ્રગતિમાં હોય આ વિસ્તારના લોકોને આરોગ્ય સેવાનો વિશેષ લાભ મળશે.