Mysamachar.in-અમદાવાદ:
આપણે ત્યાં પતિ પત્ની ઔર વો ના કિસ્સાઓ તો અવારનવાર પ્રકાશમાં આવતા રહે છે, એવામાં આ વખતે આ કિસ્સો સામે આવવાનું કારણ લોકડાઉન બન્યું છે, રાજ્યમાં અત્યારે તમામ લોકો લોકડાઉનને કારણે પોતાના ઘરમાં બંધ છે. છેલ્લા એક મહિનામાં ઘરમાં હિંસાનાં અને સાથે પ્રેમ વધવાનાં અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે. ત્યારે રાજ્યના મેટ્રોસીટી અમદાવાદના મણિનગરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે વિચારતા કરી દે તેવો છે, મણિનગર વિસ્તારમાં એક પતિ પોતાની પત્ની અને પ્રેમિકા સાથે છેલ્લા પાંચ વર્ષથી એક જ ઘરમાં રહેતો હતો.
અમદાવાદના મણિનગરમાં રહેતી 23 વર્ષની યુવતી સાથે થોડા વર્ષો પહેલા તે જ વિસ્તારના કેટલાક યુવકો દ્વારા દુષ્કર્મ કરાયુ હતું. ત્યાર બાદ યુવતી ડિપ્રેશનમાં જતી રહી હતી. જે દરમિયાન પાડોશમાં રહેતા પરિણીત યુવકે તે યુવતીને પોતાની કંપનીમાં નોકરી અપાવી હતી. બંને સાથે નોકરી કરતા હોવાથી પહેલા બોલોચાલો અને બાદમાં પ્રેમસંબંધ પણ બંધાઈ જવા પામ્યો હતો,. તે યુવાનની પત્નીને આ અંગેની જાણ હોવા છતાં તે પતિને કહેવાની હિંમત દાખવી શકતી નહીં. થોડા સમય બાદ આ યુવક તેની પ્રેમિકાને પણ ઘરમાં રહેવા લઇ આવ્યો હતો. જોકે, યુવતીનાં પરિવારે પણ આ સંબંધનો વિરોધ કર્યો હતો. પરંતુ બંન્નેમાંથી કોઇએ તેમની વાત સાંભળી ન હતી. આમ પતિ, પત્ની અને પ્રેમિકા એક જ ઘરમાં લાંબા સમયથી સાથે રહેવા લાગ્યા હતાં.
લૉકડાઉનમાં એક મહિનાથી ત્રણેય આખો દિવસ અને રાત ઘરમાં સાથે રહેતા હતા. જેથી અંતે પત્નીએ કંટાળીને હિંમત ભેગી કરીને અભયમ હેલ્પલાઇન 181 પર ફોન કરીને પતિ સામે રાવ કરી હતી, જે બાદ હેલ્પલાઇનના કાઉન્સિલરે પતિને સમજાવ્યું કે, હિન્દુ કાયદા પ્રમાણે એક પત્ની હોવાછતાં અન્ય મહિલા સાથે સંબંધ રાખવો ગુનો છે. જો પત્ની ઇચ્છે તો પતિ સામે વ્યભિચારનો ગુનો નોંધાઇ શકે છે. જે બાદ ત્રણેય વચ્ચે વાતચીત થઇ અને પતિ અને પ્રેમિકાને વાત મગજમાં સત્ય ઉતરી જતા અંતે પતિ પ્રેમિકાને છોડવા તૈયાર થયો હતો અને ભવિષ્યમાં પણ આ સંબંધ નહીં રાખે તેવી બાંહેધરી આપતા આ મામલો આગળ વધતો અટક્યો હતો.