Mysamachar.in-દાહોદ
દિવસે ને દિવસે બેંક ફ્રોડની ઘટનાઓ સતત ને સતત વધી રહી છે, અને ATM કાર્ડ ધારકોના કાર્ડના ડેટા સાથે ચેડા કરી ગઠિયાઓ બેંક ખાતા સાફ કરી નાખે છે, એવામાં રાજ્યની દાહોદ એલસીબી પોલીસે હરિયાણાની ATM ફ્રોડ કરતી ગેંગના મુખ્ય સુત્રધારને રાજસ્થાનના સજ્જનગઢથી ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા શખ્સ પાસેથી એટીએમ, લેપટોપ, સ્કેનર મશીન, રીડર મશીન તેમજ રોકડા રૂપીયા મળી કુલ રૂા. 3 લાખ 18 હજાર 800નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ગત તા.27 મેથી તારીખ 31 મેના સમયગાળા દરમ્યાન દાહોદ શહેરના માણેક ચોક તથા રેલવે સ્ટેશનના એટીએમમાંથી દાહોદ શહેરમાં રહેતા એક 18 વર્ષીય યુવકના ATM કાર્ડ મારફતે કોઈ અજાણ્યા ઈસમે રૂા.85 હજાર કાઢી લઈ ઠગાઈ કરી હતી. આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ દાહોદ એલ.સી.બી.પોલીસ એક્શન મોડમાં આવી હતી અને ગુનેગારને શોધી કાઢવા ATMના સીસીટીવી ફુટેજની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી. ટેકનીકલ સર્વેલન્સના માધ્યમથી આરોપીનું પગેરૂ મેળવતાં રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના સજ્જનગઢ ખાતે રહેતા ઈસમની સંડોવણી બહાર આવી હતી.
દાહોદ એલ.સી.બી.પોલીસની ટીમ ગતરોજ સજ્જનગઢ ખાતે આ આરોપીના આશ્રય સ્થાને વોચ ગોઠવી ઉભી હતી અને આવતો જોઈ તેને દબોચી લઈ દાહોદ મુકામે લઈ આવી હતી. આરોપીએ પોતાનું નામ અમીત રાજકુમાર મહાલા હોવાનું જણાવ્યું હતું. પોલીસ તપાસ દરમ્યાન 94 એટીએમ કાર્ડ, 01 લેપટોપ, 03 બેંકની પાસબુક, 01 કાર્ડ રીડર, 06 બેંકની ચેકબુક, 01 સ્કેનર મશીન, 02 સીડી કેસેટ, 01 આધાર કાર્ડ, 02 મોબાઈલ ફોન, 01 અપાચી મોટરસાઈકલ, રોકડા રૂપીયા 38 હજાર 300 અને 01 સ્કોડા ગાડી મળી પોલીસે કુલ રૂા.ત્રણ લાખ 18 હજાર 800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ઝડપાયેલ આરોપી રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના ગાંગતળાઈ તાલુકાના લંકાઈ ગામે બેંક ઓફ બરોડામાં પટાવાળા તરીકે છેલ્લા ચાર વર્ષથી નોકરી કરતો હતો. પોતે અને પોતાની ગેંગના સાગરીતો ભેગા મળી દાહોદ તેમજ આજુબાજુના વિસ્તારોમાં બેંકના ATMમાં જઈ ATMમાં પૈસા ઉપાડવા આવતાં ઈસમોને મદદ કરવાના બહાને ATM કાર્ડ પોતની પાસેના મશીનમાં ATM કાર્ડના ડેટા લઈ લેતા હતા. પીન નંબર જોઈ તેઓ પોતાના ઘરે જઈ લેપટોપ દ્વારા તે ATMના કાર્ડના ડેટા તેઓ પાસેના બ્લેન્ક કાર્ડમાં ટ્રાન્સફર કરી ATM તૈયાર કરતાં હતા અને અલગ અલગ જગ્યાએ જઈ ATMમાંથી પૈસા ઉપાડી લેતાં હતાં.
આરોપીની પોલીસે પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લાના લીમડી, ઝાલોદ, દાહોદ શહેર તેમજ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ, શહેરા તથા ગોધરા શહેર તેમજ અરવલલ્લી જિલ્લાના મોડાસા, માલપુર તેમજ મહીસાગર જિલ્લાના લુણાવાડા વિગેરે જગ્યાએએ આ એમ.ઓ. વાપરી પૈસા ઉપાડ્યાં હોવાનું કબુલાત કરી હતી. આમ, દાહોદ એલ.સી.બી. પોલીસે હરીયાણા રાજ્યની ATM ફ્રોડ કરતી ગેંગના મુખ્ય સુત્રધારને ઝડપી પાડવામાં સફળતાં મેળવી છે, પરંતુ મુખ્ય ભેજાબાજ હજી પકડની બહાર છે.
ખાસ તો વૃદ્ધ અને કિશોરને મદદ કરવાના બહાને ખબર ન પડે તેમ પોતાની પાસેના કાર્ડ રીડર મશીનમાં કાર્ડને સ્વેપ કરવામાં આવતું હતું. બાદ રૂપિયા કાઢવા આવનારે નાખેલો પીન નંબર પણ મોઢે કરી લેવાતો હતું. કાર્ડ રીડરનો ડેટા લેપટોપમાં લઇને સોફ્ટવેર દ્વારા તે અન્ય ચાલુ કે બ્લેન્ક કાર્ડની ચીપ ઉપર ક્લોન કરી દેવાતો હતો. ત્યાર બાદ ડેટા ટ્રાન્સફર કરાયેલા કાર્ડથી ATMમાંથી રૂપિયા કાઢી લેવાતા હતાં. રૂપિયા કાઢવા રાતના 11.30નો સમય રખાતો હતો. એક વખત 20 હજાર કાઢ્યા બાદ રાતે12 વાગ્યે તે ફરી 20 હજાર કાઢતો હતો.