Mysamachar.in-ગાંધીનગર:
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે, આગામી વર્ષ 2025માં રાજ્યમાં પોલીસના વિવિધ સંવર્ગ પર કુલ 14,820 કર્મીઓની સીધી ભરતીઓ થશે. હર્ષ સંઘવીનું આ નિવેદન વડી અદાલતે પોલીસ ભરતીઓ અંગે અખત્યાર કરેલાં અત્યંત કડક વલણ બાદ આવ્યું છે, જે અત્રે નોંધનીય છે.
રાજ્યના પોલીસદળમાં વર્ષોથી હજારો જગ્યાઓ ખાલી છે. આ સંદર્ભે વડી અદાલતે સરકારના ગૃહ વિભાગને એક વખત તો એમ પણ પૂછી લીધું હતું કે, આ હાલતમાં રાજ્યમાં તમે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિઓ કેવી રીતે જાળવી શકો.? અને, ત્યારબાદ વડી અદાલતે ભરતીઓ બાબતે તાકીદ પણ કરી હતી. આ ઉપરાંત લાખો ઉમેદવારો તરફથી પણ સરકાર પર આ ભરતીઓ બાબતે માનસિક દબાણ પણ હોવાનું બહાર આવ્યું છે.
ગૃહરાજ્યમંત્રીએ જાહેરાત કરી છે કે, રાજ્ય પોલીસદળ, વર્ગ-3 ના વિવિધ સંવર્ગોની કુલ 14,820 જગ્યાઓ પર સીધી ભરતીઓ કરવામાં આવશે. હાલમાં 12,472 જગ્યાઓ પર ભરતીઓની પ્રક્રિયાઓ ચાલી રહી છે. જે પૂર્ણ થયે અન્ય ખાલી જગ્યાઓ પર ભરતીઓ હાથ ધરવામાં આવશે. SRPFના હથિયારી પીએસઆઈ, વાયરલેસ, એમટી, ટેક્નિકલ ઓપરેટર, પોલીસ કોન્સ્ટેબલ, જેલમાં પુરૂષ અને મહિલા સિપાઈની ભરતીઓ પણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, PSI ની સંખ્યાબંધ જગ્યાઓ ખાલી છે.(file image)