Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં મહાનગરપાલિકાઓની ફૂડશાખા શહેરોમાં જ્યારે ચેકિંગ માટે નીકળે છે ત્યારે, કોઈ મોટું અથવા મહાન કામ થવા જઈ રહ્યું છે- એવું વાતાવરણ પેદાં કરવામાં આવે છે. ખરેખર તો આ આખી કસરતથી માત્ર અધિકારીઓને જ ફાયદો થાય છે, કારણકે આ ‘વરઘોડા’થી તેમનો ‘ભાવ’ વધે છે, કસૂરવાર વેપારીઓને કોઈ શૂળીએ ચડાવી દેતું નથી, આપણો દાયકાઓનો અનુભવ આમ કહે છે.
ફૂડની જે આઈટમના નમૂનાઓ લેવામાં આવ્યા હોય, તે નમૂનાઓ પૈકી બહુ ઓછા નમૂનાઓ ફેલ જાહેર થાય છે. અને આવા ફેલ કેસમાં પણ વેપારીઓને માત્ર દંડ જ થાય છે, દંડ પણ આકરો હોતો નથી. આ ફેલ ફૂડ આઈટમ અનસેફ જાહેર કરવામાં આવતી નથી, તેથી વેપારીઓ બચી જાય છે. અને, જે નમૂનો ફેલ જાહેર થયો હોય એ નમૂનાનો રિપોર્ટ આવે એ અગાઉ તો આ ફૂડ લોકોના આંતરડામાં પહોંચી ગયું હોય છે, આથી આ આખી કસરત જ બેમતલબ છે.
બીજો મુદ્દો: એક નિષ્ણાંત પૂર્વ સરકારી અધિકારી છે. એમના કહેવા અનુસાર, તૈયાર ફૂડના જે નમૂનાઓ લેવાઈ રહ્યા છે, તે ફૂડમાં શું વાપરવામાં આવ્યું છે, તેની તપાસ જ કરવામાં આવતી નથી. અધિકારીઓ કાયદાની આંટીઘૂંટીનો ઉપયોગ કરીને ફેલ સેમ્પલ વાળી ખાદ્ય ચીજને અનસેફ જાહેર કરતાં નથી, સબ સ્ટાન્ડર્ડ જાહેર કરે છે, જેનો ગેરલાભ વેપારીઓને મળી જાય છે, અધિકારીઓ આમ શા માટે કરે છે, તે સમજી શકાય એમ છે.
દરમિયાન, જામનગર મહાનગરપાલિકાએ જાહેર કર્યું છે કે, 2 વર્ષ દરમિયાન ફૂડશાખા દ્વારા 332 સેમ્પલ લેવામાં આવ્યા. જે પૈકી માત્ર 11 સેમ્પલના જ રિપોર્ટ આવ્યા. અત્રે ઉલ્લેખનિય છે કે, બગડી જતી હોય એવી ખાદ્ય ચીજોના સેમ્પલનું ફૂડ શાખા સાદું પેકિંગ કરે અને એસટી બસ મારફતે બહારગામ મોકલે ! આજના ડિજિટલ યુગમાં આવી ભંગાર સિસ્ટમનો મતલબ શું ?!
ફૂડશાખાએ ગત્ ફેબ્રુઆરીએ જે નમૂનાઓ લીધાં, તેના રિપોર્ટ હવે આવ્યા. શહેરની સાત સાડાસાત લાખની વસતિ ખાદ્ય ચીજ અને પીણાં બાબતે ‘રામભરોસે’ જિવે છે. ગત્ બારમી તારીખે મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં વિપક્ષી નગરસેવિકા જેનબ ખફીએ આ તમામ મામલે ઘણાં પ્રશ્ન ઉઠાવેલા પરંતુ પ્રજાકીય પ્રશ્નોના પણ સ્પષ્ટ જવાબો અધિકારીઓ આપતાં નથી. જનરલ બોર્ડ એટલે શહેરની સંસદ (લોકસભા) કહેવાય, તેમાં પણ મહાનગરપાલિકા ગોળ ગોળ વાતો કરવામાં પાવરધી !!(file image)