Mysamachar.in-જામનગર:
લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસનું પ્રચાર અભિયાન અંતિમ તબક્કામાં હોય આ વખતે કોંગ્રેસમાં નવુ જોમ અને જુસ્સો જોવા મળી રહ્યો છે, એક બાજુ કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયા અને કોંગ્રેસની ટીમ ગામે-ગામ પ્રવાસ કરીને લોકસંપર્ક કરી રહ્યા છે,તો બીજી તરફ જામનગરમાં પણ કોંગ્રેસની ટીમ શેરી-ગલીઓમાં ડોર-ટુ-ડોર પ્રચાર કરીને મહિલા કાર્યકરો ગૃહીણીઓના રસોઈઘર સુધી પહોંચવામાં સફળતા મેળવી છે,

તો શાકમાર્કેટ હોય કે રેકડીઘારકો, ઓટો-રિક્ષાચાલક હોય તેનો સંપર્ક કરીને પત્રિકા મારફત કોંગ્રેસની વાત જન-જન સુધી પહોંચાડી રહ્યા છે,ત્યારે આ વખતે કોંગ્રેસ ટીમવર્ક સાથે લોકસભાની ચૂંટણીના મેદાનમાં ઉતરી પડયા છે,આ જોતા કોંગ્રેસના કાર્યકરોની મહેનત રંગ લાવશે તેવું રાજકીય નિષ્ણાંતો અનુમાન લગાડી રહ્યા છે,જ્યારે કોંગ્રેસના દલિત આગેવાનો પણ દલિતોની વધુ વસ્તી ધરાવતા ગામોમાં કોંગ્રેસનો પ્રચાર-પ્રસાર કરવામાં તનતોડ મહેનત કરી રહ્યા છે,અને કોંગ્રેસની ટીમ સંકલન સાથે લોકસભા તેમજ જામનગર ગ્રામ્ય બેઠક જીતવા માટે એડીચોટીનું જોર લગાડી દીધું છે,

જેના કારણે કોંગ્રેસના જનાધારમાં ધરખમ ઉછાળો જોવા મળી રહ્યો છે અને મુળુભાઇ કંડોરીયાની સાથોસાથ સ્વયંભૂ કોંગ્રેસના કાર્યકરો કામે લાગી જઈને જનસંપર્ક અભિયાન તેજ કરતા લોકોમાં સારી એવી અસર ઉભી થઈ છે.જેના લીધે જનતા પરિણામ કંઈક જુદુ આપશે તેવુ રાજકીય પંડિતોના તારણમાં ફલિત થયું છે,જે રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુળુભાઇ કંડોરીયા અને કોંગ્રેસની ટીમ દ્વારા ગામે-ગામ પ્રવાસ કરીને લોકસમર્થન મેળવવામા છેલ્લા ત્રણ-ચાર દિવસની તનતોડ મહેનતના અંતે ચિત્ર બદલાઈ ગયું છે અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટાભાગના ગામો પેક થઈ ગયા હોવાના અહેવાલો મળી રહ્યા છે,

ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના સફળ પ્રવાસ બાદ ગઈકાલે ફરીથી જામનગર જિલ્લાના જામનગર ગ્રામ્ય મતવિસ્તારમાં મુળુભાઇ કંડોરીયા અને ટીમ કોંગ્રેસે પ્રચાર અભિયાન હાથ ધર્યું હતું. જેમાં લોકસભાની સાથે જામનગર ગ્રામ્ય વિધાનસભાની પેટાચૂંટણી પણ હોય વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ સભાયા પણ પ્રવાસમાં જોડાયા હતા,મુળુભાઇ કંડોરીયાના જામનગર ગ્રામ્ય વિસ્તારના પ્રવાસ દરમિયાન સવારથી જ નવાનાગના, જુનાનાગના, ખારા બેરાજા માધાપર ભુંગા, ઢીચડા, લાખાબાવળ, દરેડ, ચેલા, કનસુમરા વગેરે ગામોની મુલાકાત લીધી હતી અને આ વિસ્તારનો મોટાભાગનો એરીયા કોંગ્રેસના ગઢ સમાન છે.ત્યારે કોંગ્રેસ આ વિસ્તારમાં વધુ મજબૂત થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને જંગી મતદાન કરવા માટે પણ ગામે-ગામ લોકોને સમજણ આપવામાં આવી હતી,

મુળુભાઇ કંડોરીયા અને વિધાનસભાના ઉમેદવાર જયંતિભાઈ સભાયા તેમજ કોંગ્રેસના આગેવાન કાસમભાઇ ખફી વગેરે સાથે રહીને લોકસંપર્ક કર્યો હતો અને કોંગ્રેસના આ પ્રવાસ દરમ્યાન પરિણામલક્ષી સફળતા મળી હતી, પ્રવાસના અંતે મસીતીયા અને બેડી વિસ્તારમાં કોંગ્રેસની જંગી જાહેર સભાનુ આયોજન કરવામાં આવતા લોકો કોંગ્રેસના આગેવાનોને સાંભળવા સ્વયંભૂ ઉમટી પડ્યા હતા,

આમ આ વખતે કોંગ્રેસ સાચી દિશા તરફ આગળ વધી રહી હોય તેમ કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો, મહિલા કાર્યકરો, એક થઈને લોકસભાની ચૂંટણીમાં પૂરા જુસ્સા સાથે કામે લાગી જઈને કોંગ્રેસના ઘોષણાપત્રમાં શિક્ષિત બેરોજગાર યુવાનોને રોજગારી આપવા મામલે, ન્યાય યોજના હેઠળ વાર્ષિક ૭૨,૦૦૦ ગરીબોના બેન્ક ખાતામાં જમા કરવાની વાત તેમજ ખેડૂતોની કૃષિલક્ષી બજેટની વાત હોય કે વેપારીના GSTનો મુદ્દો હોય,આ તમામ વાતો લોકો સુધી સીધો જ સંપર્ક કરીને પહોચતી કરવામાં સફળતા મળી છે,

જેના કારણે લોકો પણ કોંગ્રેસના કાર્યકરોની વાતને સાંભળી રહ્યા છે, આ જોતા જામનગર લોકસભાની ચુંટણીમાં નક્કર પરિણામ સાથે પરીવર્તન કરવાનું પ્રજાએ મન બનાવી લીધું હોય તેવો હાલ તો માહોલ જોવા મળી રહ્યો છે,કોંગ્રેસના દલીત આગેવાનો પણ મુળુભાઇને જીતાડવા મેદાનમાં ઉતર્યા..
જામનગર જિલ્લામાં અન્ય જ્ઞાતિ સાથે દલિત સમાજના મતદારોનો વિશાળ સમુદાય છે,જે પણ ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે અને પરિણામ પર ધારી એવી અસર લાવી શકે છે,ત્યારે આ વખતે કોંગ્રેસે અનુસુચિત જાતિના આગેવાનોની પણ ટીમ બનાવી છે અને જામનગર ગ્રામ્ય તેમજ જામનગર જિલ્લામાં દલિતોની મોટી વસ્તી ધરાવતા ગામોની મુલાકાત લઈને કોંગ્રેસના સંકલ્પપત્રનુ વિતરણ કરીને સમજણ આપવામાં આવી રહી છે,જેનાથી કોંગ્રેસના પ્રભાવમાં વધારો જોવા મળી રહ્યો છે,

જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી કે.પી.બથવાર, જિલ્લા અનુસુચિત જાતિ મોરચાના ચેરમેન રમેશભાઇ પારઘી, જામનગર કોર્પોરેશનના પૂર્વ વિરોધપક્ષના નેતા અને વકીલ આનંદભાઈ ગોહિલ, જામનગર શહેર સોશ્યલ મીડિયાના કોર્ડીનેટર સુનિલભાઈ રાઠોડ, પૂર્વ સરપંચ રામજીભાઈ મકવાણા, સિક્કાના સરપંચ જગદીશભાઈ ચૌહાણ, રામજીભાઈ મોભેરા, ચંદુભાઈ, પ્રેમજીભાઈ રહેસિયા, જે.ટી.ચંદ્રપાલ, રાજુભાઈ વગેરે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં લોઠીયા, ચેલા, ચંગા, ખોજા બેરાજા, ચંદ્રગઢ, મોટાથાવરીયા, વિજરખી, ઠેબા, લૂંબીનગર તેમજ નાની બાણુગર, મોટી બાણુગાર, ફલ્લા,બેરાજા, ખીલોસ,જામ વણથલી, ખારા બેરાજા, બાડા, ચાવડા, ધ્રોલ તાલુકાના ખારવા, વાંકિયા, નાના વાગુદડ,મોટા વાગુદડ, ધ્રોલના જુના રેલવે સ્ટેશન, ધ્રોલ ચામુંડા પ્લોટ દલિત વિસ્તારની મુલાકાત લઈને દલિત યુવાનો, વૃદ્ધો વગેરે સાથે બેઠક યોજી હતી.નયનાબા જાડેજા કોંગ્રેસના પ્રચારમાં કામે લાગી ગયા, કાર્યાલયનું કર્યું ઉદ્ઘાટન
તાજેતરમાં જ કાલાવડ ખાતે કોંગ્રેસની જાહેરસભા દરમિયાન ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના મોટા બહેન નયનાબા જાડેજા વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કરીને કોંગ્રેસમાં જોડાયા હતા અને તેમણે કોંગ્રેસનો પ્રચાર કરવાની પણ વાત કરી હતી.ત્યારે નયનાબા જાડેજા કોંગ્રેસના પ્રચારમાં કામે લાગી ગયા હોય તેમ જામનગર વોર્ડ નંબર 3માં કોંગ્રેસના કાર્યાલયનું ઉદ્ઘાટન નયનાબા જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપરાંત શહેર કોંગ્રેસ પ્રમુખ ગીરીશ અમેથિયા જામનગર કોંગ્રેસ લોકસભા બેઠકના પ્રભારી જશવંતસિંહ ભટ્ટી, યુસુફ ખફી, શક્તિસિંહ જેઠવા, મહિપાલસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.ત્યારબાદ નયનાબા જાડેજા જામનગરના વોર્ડ નંબર-૪માં પ્રચાર અભિયાનમાં જોડાઈને કોંગ્રેસના પ્રચાર માટે કામે લાગી ગયા છે.
