Mysamachar.in-અમદાવાદ:
પાટીદાર અનામત આંદોલન થકી ચર્ચામાં આવેલ હાર્દિક પટેલને હવે રાજનીતિનો રંગ પણ લાગી ચૂક્યો છે અને છેલ્લા કેટલાય સમયથી ખુદ પોતે પણ સક્રીય રાજનીતિમાં આવશે તેવો ઈશારો પણ તે કરી રહ્યો હતો, પરંતુ આજે હાર્દિક પટેલને રાજકારણમાં જોડાવવાની તમામ અટકળોનો અંત ત્યારે આવી ચૂક્યો જ્યારે આજે કોંગ્રેસની વર્ષો બાદ ગુજરાતમાં મળી રહેલી વર્કીંગ કમીટીની બેઠક બાદ યોજાયેલ જાહેર સભામાં હાર્દિક પટેલને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખેસ પહેરાવી અને આવકાર્યા હતા,આમ આજે વિધિવત રીતે હાર્દિક પટેલે કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે,

હાર્દિકની ઈચ્છા તો એવી પણ છે કે તેને જામનગર લોકસભા બેઠક પરથી કોંગ્રેસનાં ઉમેદવાર તરીકે ચૂંટણી પણ લડવી છે અને પક્ષ નહીં પરંતુ માધ્યમો સમક્ષ પોતે જામનગર બેઠક પરથી ચૂંટણી લડશે તેવી જાહેરાત પણ તેણે તાજેતરમાં કરી દીધી છે, જેને લઈને પણ કોંગ્રેસમાં આંતરીક સળવળાટ પણ શરૂ થયો હોવાનું સામે આવ્યું હતું,

હાર્દિક પટેલ આજે જ્યારે કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યો છે ત્યારે લાલજી પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે કે, લોકોએ તેમને જે પ્રેમ કર્યો હતો તે સમાજ ના મુદ્દા ઉપર હતો. સમાજના લોકો કોઈ પણ પાર્ટીમાં જોડાયા છે એ સમાજનો પ્રશ્ન ઉઠાવી શક્યા નથી. સમાજ ને પૂછ્યા વગર અને સાથે રાખ્યા વગર નિર્ણય હાર્દિકે કર્યો છે.

હાર્દિકે સત્તા ની લાલચે આંદોલન માં જોડાયો હતો તે સ્પષ્ટ થયું છે. હવે હાર્દિક માં તાકાત હોય તો 5000 પાટીદારો ભેગા કરી બતાવે. એટલે હાર્દિક ને ખ્યાલ આવે કે પાટીદાર તેની સાથે છે કે નહીં. સમાજ ના મુખ્ય મુદ્દા સંતોષાયા નથી અને ચૂંટણી લડવી એ યોગ્ય નથી. હાર્દિક જ્યાં પણ ચૂંટણી લડશે ત્યાં પાટીદાર તેનો વિરોધ કરશે તેવું પણ તેમના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.