Mysamachar.in-અમદાવાદ:
લોકસભાની ચૂંટણી લડવાની ઇચ્છા થતા એક સમયના પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ એકાએક કોંગ્રેસમાં જોડાઈને ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. પરંતુ કાનૂની ગૂંચવણ ઊભી થતા હાર્દિક પટેલના લોકસભાની ચૂંટણી લડવા સામે અનેક સવાલો ઊભા થયા હતા. તેવામાં હાઇકોર્ટમાં ચૂંટણી લડવા મામલે હાર્દિક પટેલની અરજી અંગે સુનવણી હાથ ધરવામાં આવી હતી અને તા.૨૬થી સતત ૪ દિવસ સુધી હાર્દિક પટેલના વકીલ અને સરકાર પક્ષે એડ્વોકેટ જનરલની લાંબી કાનૂની દલીલો બાદ આજે હાર્દિકની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે,
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને છેલ્લા દિવસોમાં અનેક રાજકીય ઉતાર-ચડાવ જોવા મળ્યા છે.તેવામાં હાર્દિક પટેલ દ્વારા પોતે લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા તો વ્યકત કરી પરંતુ પાટીદાર આંદોલન સમયે ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ મામલે વિસનગર કોર્ટે હાર્દિક પટેલને દોષીત જાહેર કરતા ચૂંટણી લડવા સામે કાનૂની ગૂંચવણ ઊભી થઈ હતી.ત્યારે કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલે અગાઉ હાઇકોર્ટમાં અરજી કરતા સજા મોકૂફ રખાઇ હતી.
પરંતુ આ સજા સામે હાર્દિક પટેલ દ્વારા કન્વિકશન સ્ટેની માંગ સાથે અરજી કરવામાં આવતા તા.૨૬થી હાઈકોર્ટમાં સુનવણી હાથ ધરવામા આવી રહી હતી,છેલ્લા ૪ દિવસથી હાર્દિકના વકીલ અને સરકાર તરફે એડ્વોકેટ જનરલ દ્વારા દલીલો ચાલી રહી છે. જેમાં સરકાર તરફે એડવોકેટ જનરલે હાઇકોર્ટમાં દલીલો કરી હતી કે હાર્દિક પર રાજદ્રોહ સહિતના ગુન્હા છે અને લો-બ્રોકર, લો-મેકર કઈ રીતે બનાવી શકાય?
સજા પર સ્ટે અપાયા બાદની સ્થિતિ પર ધ્યાન આપવું જરૂરી છે અને જન-પ્રતિનિધિ થયા વગર પણ લોકોની સેવા થઈ શકે છે. ગાંધીજી ચૂંટણી લડ્યા વગર દેશના રાષ્ટ્રપિતા બન્યા હતા. તેવી દલીલો રજૂ કરીને હાર્દિકની ચૂંટણી લડવા સામેની અરજીનો વાંધો ઉપાડયો હતો અને લાંબી કાનૂની દલીલ બાદ આજે હાઈકોર્ટે હાર્દિક પટેલની ચૂંટણી લડવા સામે કરેલ સ્ટેની અરજી અંગે ચુકાદો આપીને અરજી ફગાવી દેવામાં આવી છે.
આમ જામનગર બેઠક પરથી લોકસભાની ચુંટણી લડવા ઇચ્છુક હાર્દિક પટેલ અને કોંગ્રેસના સપના પર ધોળે દિવસે પાણી ફરી વળ્યું છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.