Mysamachar.in-કચ્છ
આજનો જમાનો ભલે ગમે ત્યાં પહોચી ગયો હોય પણ આજની તારીખે પણ અમુક કિસ્સાઓ સામે આવે ત્યારે હ્રદય દ્રવી ઉઠે છે, વાત કચ્છના રાપર તાલુકાની છે જ્યાં અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પરિવારના 6 લોકોના હાથ ધગધગતા ઉકળતા તેલમાં નાંખીને બાળવામાં આવ્યા છે. રાજ્યના કચ્છના રાપર તાલુકામાં અંધશ્રદ્ધાના નામે છ લોકોના હાથ ઉકળતા તેલમાં નાંખવાની ધૃણાસ્પદ ઘટના બની છે. રાપર તાલુકાના ગેડી ગામે છ લોકોના હાથ ઉકળતા તેલના તવામાં પરાણે નંખાવતા ચકચાર મચી ગઈ છે. સાસરીવાળાઓએ યુવતીના પરિવારને ગરમ તેલમાં હાથ નાંખીને બેગુનાહી સાબિત કરવા પર દબાણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, જો યુવતીના ભાગવા પાછળ તેમનો હાથ નથી તો ગરમ તેલમાં હાથ નાંખો.
છોકરી ભગાડવાનો વ્હેમ રાખીને ભક્તાવાંઢના પીયરીયાઓને માતાજીના મંદિરમાં લઈ જવાયા હતા. જ્યાં ઉકળતા તેલનો તવો કરીને બળજબરીથી પરિવારના છ સભ્યોના હાથ ગરમ તેલમાં નંખાવ્યા હતા. ઉકળતા તેલમાં હાથ બળતા છ લોકોને રાપર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ત્યારે રાપર પોલીસે જાણવા જોગ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ રાજ્યમાં ભારે ચકચાર મચાવી દીધી છે.