Mysamachar.in-જામનગર:
પાંચેક દિવસના વિરામ બાદ મેઘરાજાએ જામનગર જિલ્લામાં વરસાદનો વધુ એક હળવો રાઉન્ડ લીધો છે, જેમાં જોડિયાને બાદ કરતાં બધાં જ તાલુકામાં અડધાંથી માંડીને અઢી ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થયેલાં 24 કલાક દરમિયાન જિલ્લામાં સૌથી વધુ વરસાદ લાલપુર તાલુકાના પીપરટોડામાં અઢી ઈંચ જેટલો નોંધાયો છે. અને, કાલાવડ તાલુકાના જશાપરમાં વીજળીએ એક માનવજીંદગીનો ભોગ લીધો છે. આ ઉપરાંત મકાજી મેઘપરમાં એક વ્યક્તિ વાહન સાથે તણાયાનું પણ જાણવા મળે છે, જેની શોધખોળ ચાલુ છે.
આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થયેલાં 24 કલાક દરમિયાન જામનગરમાં પોણાં બે ઈંચ જેટલો, કાલાવડમાં સવા ઈંચ જેટલો અને લાલપુરમાં સવા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જામજોધપુર અને ધ્રોલ પંથકમાં હળવો વરસાદ અને છાંટા પડ્યા છે જ્યારે જોડિયા તાલુકો વરસાદના આ રાઉન્ડમાં બાકાત રહ્યો છે.
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અડધાંથી માંડીને અઢી ઈંચ સુધીનો વરસાદ થયો છે. જામવંથલી, દરેડ, મોટા વડાળા, ભલસાણ બેરાજા, નવાગામ, સમાણા, શેઠવડાળા, જામવાડી, વાંસજાળીયા, પરડવા, પડાણા, મોટા ખડબા અને મોડપર સહિતના પંથકોમાં બે ઈંચ જેટલો વરસાદ થયાના વાવડ છે. આ ઉપરાંત વસઈ, ફલ્લા, અલિયાબાડા, જાલિયાદેવાણી, નિકાવા, મોટાં પાંચ દેવડા, ધ્રાફા અને હરિપર સહિતના પંથકમાં એકથી દોઢ ઈંચ સુધીનો વરસાદ થયાના અહેવાલ છે. એકંદરે જોડિયા તાલુકાને બાદ કરતાં જિલ્લાના લગભગ તમામ ગ્રામ્ય વિસ્તારોમાં કાલે સાંજે અને રાત્રે વરસાદ થયો હતો.