Mysamachar.in-જામનગર:
ગુજરાત રાજ્યની ગણના દેશના સમૃદ્ધ રાજ્યોમાં થાય છે. અહીં ઔદ્યોગિક વિકાસ અફલાતૂન છે. ખેત ઉત્પાદનોના આંકડાઓ પણ મોટાં રહે છે અને બિઝનેસ તથા સર્વિસ સેક્ટરમાં પણ ગુજરાતીઓ કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે, તેની સામે વિરોધાભાસી હકીકત એ છે કે, અડધું ગુજરાત સસ્તા અથવા ‘મફત’ અનાજના ભરોસે છે.
રાજ્યની 7 કરોડની વસતિમાંથી અડધાં કરતાં વધારે એટલે કે 3.65 કરોડ લોકો રાશનકાર્ડ મારફતે સસ્તા અનાજની દુકાનોમાંથી વિનામૂલ્યે અથવા રાહતદરનું અનાજ મેળવે છે. જો કે સૂત્રના જણાવ્યા અનુસાર, ઘણાં કાર્ડધારકો આ અનાજ બજારમાં ફૂંકી મારી રોકડી કરી લ્યે છે અથવા સસ્તા અનાજ દુકાનદાર ખુડ કાર્ડ ધારકોને રોકડા આપી પોતાની રીતે અનાજનો બારોબાર નિકાલ કરે છે, એવી પણ વાત છે.
જામનગર જિલ્લાના આંકડાઓ શું કહે છે ?….
જામનગર જિલ્લા પૂરવઠાતંત્રના જણાવ્યા અનુસાર, આપણાં જિલ્લામાં આ પ્રકારના 2,09,545 રાશનકાર્ડ નોંધાયેલા છે, જેના કુલ 8,28,102 લોકો આ પ્રકારનું અનાજ સરકારના નિયમ અનુસાર મેળવે છે. અન્ય એક સ્ત્રોતમાંથી મળતી માહિતી અનુસાર, જામનગર જિલ્લાની અંદાજિત વસતિ પંદરેક લાખ છે જે જોતાં અડધો જામનગર જિલ્લો વિનામૂલ્યે અથવા રાહતદરનું અનાજ મેળવે છે.





