Mysamachar.in-ગાંધીનગર
ગુજરાત મોડેલ જુદાં જુદાં કારણોસર કાયમ ચર્ચાઓમાં રહે છે, હાલ આ મોડેલ એક અલગ કારણથી ચર્ચાઓમાં છે. ઘટસ્ફોટ એ થયો છે કે, ગુજરાતના અડધાં એટલે કે 50 ટકા વિસ્તારોમાં રહેતી વસતિ એવું પાણી પીવા મજબૂર છે, જે પાણી પીવા લાયક નથી. આ રિપોર્ટને કારણે સમગ્ર રાજ્યમાં ચકચાર મચી છે, લોકોમાં ‘શું થશે ?’ એવા વિચાર સાથે ફફડાટ ફેલાઈ ગયો છે, ગુજરાતના લોકો તરસથી વ્યાકુળ બની જશે ?! એવો પ્રશ્ન પણ પૂછાઈ રહ્યો છે.
સમૃધ્ધ દેખાતાં ગુજરાતમાં એવા દિવસો આવી શકે છે કે, લોકોએ હજારો રૂપિયા ખર્ચ કરીને પીવાનું પાણી ખરીદવું પડે. રાજ્યમાં ભૂગર્ભજળ સતત ઘટી રહ્યું છે, એક તરફ રાજ્યમાં દારૂ પીવા માટે ચર્ચાઓ ચાલી રહી છે, એ જ સમયે એમ કહેવાય છે કે, આપણી ભાવિ પેઢીઓ, આપણાં સંતાનો પાસે પીવા પાણી નહીં હોય !! આપણી પાસે પિવાલાયક પાણી સતત ઘટી રહ્યું છે, જમીનમાંથી અત્યાર સુધીમાં એટલું બધું પાણી આપણે ખેંચી લીધું છે અને ખેંચી રહ્યા છીએ કે, આ જમીનોમાંથી ખેંચવામાં આવતું પાણી હવે પિવાલાયક રહ્યું નથી.
ગુજરાતમાં જળસંકટની સ્થિતિ આવી પહોંચી છે, અને આમ છતાં રાજયમાં પાણી અંગેની પોલિસી અધકચરી છે, કેન્દ્ર સરકારની સૂચનાઓનું પણ પાલન થતું નથી. આપણાં ભૂગર્ભજળમાં ફલોરાઈડ, સીસું, આર્સેનિક અને આયર્ન એટલે કે લોઢું અને નાઇટ્રેટ હોય છે, આ તત્વો આપણે આપણાં આંતરડામાં ઠાલવી રહ્યા છીએ!
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે આ મામલે ગુજરાત સરકારને નોટિસ આપી ખુલાસો માંગ્યો છે. જામનગર સહિત સમગ્ર રાજયમાં આડેધડ રીતે જમીનના પેટાળમાંથી પાણી ઉલેચવામાં આવી રહ્યું છે, આ આખી બાબત પર દેખરેખ રાખવામાં આવતી નથી અને રાજયમાં બોરવેલ માટે પોલિસી જ નથી. અદભૂત ગુજરાત મોડેલમાં આ ચૂક રહી ગઈ કે, રાખી દેવામાં આવી?! એવો પ્રશ્ન પણ સપાટી પર આવ્યો છે.
જમીનમાંથી મેળવવામાં આવતાં પાણીમાં આટલાં ખતરનાક તત્વો હોવા છતાં ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત શહેરી વિસ્તારોમાં પણ, આ ભયાનક પાણીનો ઉપયોગ લોકો પીવા માટે કરી રહ્યા છે ! આ સ્થિતિ ચિંતાપ્રેરક ન લેખી શકાય ?! નલ સે જલ ના પ્રચાર અને કામગીરીઓ વચ્ચે પણ, આ સ્થિતિ વિચિત્ર છે.
કેન્દ્રીય વોટર કમિશને બોરવેલ માટે સરકારની મંજૂરી ફરજિયાત બનાવી છે પરંતુ ગુજરાત સરકારે બોરવેલ માટેની નીતિ જ નથી બનાવી. કેન્દ્રીય વોટર કમિશનના કોઈ નિયમોનું ગુજરાત રાજ્યમાં પાલન થતું નથી, એવું હવે જાહેર થઈ જતાં આ મુદ્દો સંવેદનશીલ અને ચર્ચાસ્પદ બન્યો છે.
ભૂગર્ભજળ અંગેનો રિપોર્ટ કેન્દ્ર સરકાર દર બે વર્ષે તૈયાર કરે છે, જે પૈકી 2022નો રિપોર્ટ ગુજરાત માટે લાલબતી છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ગુજરાત સહિત 24 રાજ્ય અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોને આ મામલે નોટિસો ફટકારી છે.