Mysamachar.in-અમદાવાદ:
ગુજરાત હાઇકોર્ટમાં તબીબોનો એક મામલો ચાલી રહ્યો છે, જેમાં અદાલતે મેટરના અનુસંધાને કેટલાંક તબીબો માટે અડધાં પાકેલાં એટલે કે હાફબેકડ એવો શબ્દ પ્રયોજયો ! રાજયની વડી અદાલતમાં આયુષ ડોકટરોનો એક મામલો ચાલી રહ્યો છે જેમાં મેડિકલ શિક્ષણમાં યોગ્યતા મુદ્દે સુપ્રિમ કોર્ટના અગાઉના એક જજમેન્ટનો ઉલ્લેખ કરી વડી અદાલતે મેડિકલ કોલેજોમાં તૈયાર થતાં હાફબેકડ ડોક્ટરો વિષે ચિંતાઓ પ્રગટ કરી.
પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ શિક્ષણમાં તાજેતરમાં સરકારે ઝીરો પર્સન્ટાઈલ એડમિશન પોલિસી દાખલ કરી છે. એવા સમયે વડી અદાલતે આ બાબત ઉચ્ચારી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સરકારની આ પોલિસીને કારણે તબીબોની કવોલિટી ચિંતાનો વિષય બની શકે છે અને ખાનગી મેડિકલ કોલેજો આ નિર્ણયને કારણે પોતાની કોલેજોની બેઠકના બદલામાં ‘રોકડા’ ગણી લેશે.
કેટલાંક આયુષ તબીબોએ પ્રવેશ માટેના ધોરણો નીચે લઈ જવા માટે વડી અદાલતમાં રજૂઆત કરી છે, તે કેસની સુનાવણી દરમિયાન આ બધી બાબતો બહાર આવી. જો કે અદાલતે આયુષ છાત્રોની માંગણી સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો. અદાલતે કહ્યું પ્રવેશ સ્ટાન્ડર્ડ નીચું લઈ જવું યોગ્ય નથી. કેમ કે એમ કરવાથી ભવિષ્યમાં અડધાં પાકેલા ડોકટરો મળે. વડી અદાલતે સુપ્રિમ કોર્ટના અગાઉના એક નિર્ણયને ધ્યાનમાં લઈ કહ્યું કે, આયુષ વિભાગમાં અન્ડર ગ્રેજ્યુએટ શિક્ષણમાં પૂરતી સંખ્યામાં છાત્રો ન મળે તેનો અર્થ એ નથી કે પ્રવેશ સ્ટાન્ડર્ડ નીચે લઈ જવું.