Mysamachar.in: જામનગર
આગામી શૈક્ષણિક વર્ષ જૂન મહિનામાં શરૂ થાય એ પહેલાં ગાંધીનગર કક્ષાએ અને જિલ્લાકક્ષાએ નવી ખાનગી શાળાઓને મંજૂરીઓ આપવાની તેમજ વર્ગવધારા માટેની મંજૂરીઓ આપવાની કાર્યવાહીઓ આગળ વધી રહી છે.આ માટેની પ્રક્રિયાઓ એવી હોય છે કે, ગાંધીનગર કક્ષાએથી ખાનગી શાળાઓ માટેની મંજૂરીઓ મેળવી લીધાં બાદ જિલ્લાકક્ષાએ આ માટેની ચકાસણીઓ થતી હોય છે અને ત્યારબાદ મંજૂરીઓ આપવામાં આવતી હોય છે. જામનગર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ જણાવ્યું છે કે, આ વર્ષે જામનગર શહેરમાં ધોરણ 1 થી 5 માટે અને ધોરણ 6 થી 8 માટે ખાનગી શાળાઓ શરૂ કરવા માટે કુલ 6 સંસ્થાઓને મંજૂરીઓ આપવામાં આવી છે. આ ઉપરાંત વર્ગવધારા માટેની કુલ 10 મંજૂરીઓ આપવામાં આવી છે.

આ ઉપરાંત શિક્ષણ વિભાગમાં હાલ ફી નિર્ધારણ માટે FRC ની કાર્યવાહીઓ પણ ચાલી રહી છે. ખાનગી શાળાઓને ફી નક્કી કરવા દરખાસ્ત મોકલવા અથવા એફિડેવિટ ફાઇલ કરવા અંતિમ તારીખ 15 ડિસેમ્બર આપવામાં આવી છે. જે શાળાઓ વિલંબથી દરખાસ્ત કે એફિડેવિટ રજૂ કરશે તેમને DEO દ્વારા રૂ. 5,000નો દંડ થઇ શકશે. આ રીતે જે ફાઈલ વિલંબથી રજૂ થાય તે ફાઈલ જિલ્લાકક્ષાએથી FRC ને સાત દિવસની અંદર મોકલી આપવાની રહેશે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, ઘણી આવી ફાઈલ DEO-DPEO કક્ષાએ ખોવાઈ કે ગૂમ પણ થઈ જતી હોય છે.