Mysamachar.in-જામનગર:
જામનગર લોકસભામાં સમાવિષ્ટ જામજોધપુર વિધાનસભા મતવિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનો હાલમાં શુભારંભ કરવામાં આવ્યો છે. જયાં હાલારના દીકરી એવા બે ટર્મથી સાંસદ અને ત્રીજી વખતના લોકસભા ચૂંટણીના ઉમેદવાર પૂનમબેન માડમના સમર્થનમાં જામજોધપુરમાં ભવ્ય રોડ-શો પણ યોજવામાં આવેલો જેમાં સમગ્ર જામજોધપુર પંથકના સેંકડો નાગરિકો અને અગ્રણીઓ જોડાયા હતાં. આ રેલી બાદમાં વિશાળ જનસમુદાયને સંબોધતા પૂનમબેન માડમએ જણાવ્યું હતું કે,
ભારતીય જનતા પાર્ટીની સમર્પિત સેવા છેવાડાના માનવી સુધી પહોંચી છે. જામજોધપુર પંથકના સૌ નાગરિકોએ “મોદી સાહેબની ગેરન્ટી” માં અપ્રતિમ વિશ્વાસ દાખવી, પ્રચંડ જનસમર્થનની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. રેલી તથા ઉદબોધન સમયે ઉમટી પડેલ જામજોધપુરવાસીઓનો આ અદભુત ઉત્સાહ અને સમર્થન ચોક્કસપણે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીત સુનિશ્ચિત કરનાર પ્રતીત થયા હતાં. જામજોધપુરના મુખ્ય માર્ગ ઉપર લોક્સભાના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમના આ ભવ્ય રોડ શોમાં વિવિધ જ્ઞાતિના આગેવાનો, ગરબી મંડળો, સામાજિક સંસ્થાઓ દ્વારા પૂનમબેન માડમનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું, ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પછી પ્રચંડ જનમેદની સાથે સભા પણ યોજવામાં આવી હતી, જેમાં હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતાં.
આ તબકકે સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમ, પક્ષના જિલ્લા પ્રમુખ રમેશભાઈ મુંગરા, જિલ્લા મહામંત્રીઓ દિલીપભાઈ ભોજાણી, અભિષેકભાઈ પટવા, પ્રવિણસિંહ જાડેજા, પૂર્વમંત્રી ચીમનભાઈ સાપરીયા, પૂર્વ ધારાસભ્યો બ્રિજરાજસિંહ જાડેજા, ચિરાગ કાલરીયા, તાલુકા પંચાયત પ્રમુખ જે ટી ડોડીયા, શહેર ભાજપ પ્રમુખ જયેશભાઇ ભાલોડીયા, તાલુકા પંચાયત પ્રભારી ખુશાલભાઈ જાવિયા, પૂર્વ જિલ્લા મહામંત્રી ચેતનભાઈ કડીવાર, અગ્રણી આગેવાન અમુભાઈ, જિલ્લા પંચાયતના સભ્યો, મોરચાના પદાધિકારીઓ, શહેર સંગઠનના પદાધિકારીઓ હોદેદારો, કાર્યકર્તાઓ, મહિલાઓ, સામાજિક અગ્રણીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.