Mysamachar.in-જામનગર:
આજના બાળકો જે મોબાઈલ અને ટીવીમાં થી બહાર નથી નીકળતા…એવામાં આપણી પરમ્પરાગત રમતો પણ વીસરાતી જાય છે જે બાબત સર્વવિદિત છે, તેવામાં બાળકોનો દિવસ મોબાઈલ અને ટીવી અને અભ્યાસમાં પસાર થઇ જાય છે પછી તે અન્ય રમતો પર ધ્યાન આપતો નથી, એવામાં આ તમામથી અપવાદ જામનગરના સરકારી શાળાના શિક્ષકનો 11 વર્ષીય પુત્ર જે પોતે પણ સરકારી શાળામાં જ અભ્યાસ કરે છે તેને નાનપણથી લોન ટેનીસ રમવાનો ગજબ શોખ લાગ્યો હતો, પોતાના પુત્રના શોખને પિતાએ પણ સહમતી આપી અને પુત્રને ગમતી રમતમાં પુત્ર પોતાનું પરિવારનું જામનગરનું નામ રોશન કરે તે માટે સતત સપોર્ટ કરી રહ્યા છે અને તેના ફળ સ્વરૂપ આ 11 વર્ષના બાળકે હાલાર અને આહીર સમાજને ગૌરવ અપાવ્યું છે.
અમે અહી વાત કરવા જઈ રહ્યા છીએ હિત ભીમશીભાઈ કંડોરીયાની….જામનગરની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ભીમશીભાઈ કંડોરીયાના પુત્ર હિત કંડોરીયા જે હાલ વુલનમીલ સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 5 માં અભ્યાસ કરી રહ્યો છે, અભ્યાસની સાથોસાથ હિતને લોન ટેનીસ અતિપ્રિય છે અને તે પોતાના અભ્યાસ બાદ સમય બગાડવાને બદલે લોન ટેનિસમાં સમય આપે છે,
જામનગર મનપાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે પિતાની સાથે લોન ટેનિસમાં હિત ખુબ આગળ વધી રહ્યો છે, અને સમગ્ર હાલાર માટે ખુબજ ખુશીના સમાચાર છે કે જામનગરનો 11 વર્ષનો આ હીત ભીમશીભાઇ કંડોરીયાએ ઓલ ઇન્ડિયા ટેનીસ એસોસિએશન દ્વારા સોનીપત હરિયાણામાં યોજાયેલ ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટમાં અન્ડર 14માં વિજેતા થઇ નેશનલ રેન્કિંગમાં સૌથી નાની વયે નેશનલ લેવલ પર ટોપ 4 માં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે.આગામી સમયમાં પણ ઇન્ડિયાના નંબર વન અને ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતનું નેત્રૃત્વ જામનગરનો હીત કરે તો નવાઇ નહિ…
જામનગર જેવા નાના શહેરમાં રહી અને ખુબજ ઓછી માળખાકીય વ્યવસ્થા હોવા છતા નેશનલ ટોપ ફોર માં આવવું ખુબ જ કઠીન છે,કોઇપણ અગવડતા ટેલેન્ટને રોકી શક્તી નથી તે પરીતાર્થ કરતો જામનગરની સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ભીમશીભાઇનો પુત્ર હીત કંડોરીયાએ કરી બતાવ્યુ છે,