Mysamachar.in-રાજકોટ:
સૌરાષ્ટ્રના પાટનગર માનવામાં આવતાં રાજકોટમાં મોટી હલચલ મચી ગઈ છે. રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ હેક થયાની વિગતો અને લાખો નાગરિકોનો મહત્વપૂર્ણ ડેટા ચોરાઈ ગયો હોવાની વિગતો બહાર આવી જતાં હવે તંત્ર દ્વારા એક તરફ તપાસ અને બીજી તરફ લીંપણ ચાલુ થયું છે.
રાજકોટ મહાનગરની આ વેબસાઈટ લાખો કરદાતાઓની બેંક એકાઉન્ટ સહિતની સંવેદનશીલ માહિતીઓ ધરાવે છે. ઓપરેશન સિંદૂર દરમ્યાન આ હેકિંગ થયું હતું એવી વિગતો હવે છેક બહાર આવી. તેનો અર્થ એ થઈ શકે કે, તંત્રએ આ માહિતીઓ અત્યાર સુધી ‘દબાવી’ રાખી હતી. હજુ પણ કમિશનર એમ જ કહી રહ્યા છે કે, ડેટાની ચોરી થઈ છે કે કેમ એ તપાસનો વિષય છે, તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ સૂત્રના કથન અનુસાર, 400 GBથી વધુનો ડેટા ઓલરેડી ચોરાઈ ગયો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, રાજકોટ મહાનગરપાલિકા દર વર્ષે સાયબર સુરક્ષા માટે રૂ. 10 કરોડનો ખર્ચ કરે છે. આ તોતિંગ ખર્ચ પાણીમાં ?! આટલી સુરક્ષા પછી પણ ડેટા ચોરાઈ જઈ શકે ? વેબસાઈટ હેક થઈ શકે ? તો પછી આટલાં ખર્ચનો અર્થ શું ? એવો પ્રશ્ન રાજકોટના નાગરિકો પૂછી રહ્યા છે.
મહાનગરપાલિકા સંચાલિત શાળાઓ, બ્રિજ, સરકારી હોસ્પિટલો અને કેટલીક સરકારી કચેરીઓનો ડેટા ચોરાઈ ગયાની વાત છે. લાખો લોકોના બેંક એકાઉન્ટની વિગતો પણ હેકરે જાણી લીધી હોવાનો દાવો થઈ રહ્યો છે. હાલમાં BSNL અને કેટલીક ખાનગી એજન્સીઓ આ સમગ્ર મામલાની તપાસ ચલાવી રહી છે. GISની વેબસાઈટને હાલ આઇસોલેટ કરી તપાસ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં જ જાહેર થયેલું કે, રાજકોટ રાજપથ લિમિટેડ( સિટી બસ સંચાલક કંપની)નો અમુક ડેટા હેક થયો હતો.(symbolic image)
