Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતીઓને નાણાં કમાતાં આવડે છે, નાણું ગુપચાવી લેતાં પણ આવડે છે અને નાણું ઉછીનું કે વ્યાજે લીધાં પછી, નથી દેવા જા, એમ કહેતાં પણ આવડે છે. આવા હજારો ઉદાહરણો રોજ ખબર બને છે, આવી વધુ એક ખબરનું રેકર્ડ જાહેર થયું છે, જેમાં જાણવા મળે છે કે, ગુજરાતીઓ બેંકોમાંથી ચિક્કાર લોન્સ મેળવી લીધાં પછી શું કરે છે. જો કે લાખો ગુજરાતીઓએ બેંકોને નાણાં પરત પણ આપ્યા છે. જે લોકોએ બેંકોને નાણાં પરત નથી આપ્યા, એ આંકડો અબજો રૂપિયાનો છે.
સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીનો રિપોર્ટ જાહેર થયો છે. રિપોર્ટ કહે છે: ગુજરાતના 31 જિલ્લા કલેક્ટર પાસે 883 અરજીઓ પેન્ડિંગ છે. આ અરજીઓમાં જણાવાયું છે કે, રૂ. 395 કરોડની લોન્સના ડિફોલ્ટરોની મિલકતો ટાંચમાં લેવાની બાકી છે, ક્યારે લેવામાં આવશે ? સરફેઈશી એક્ટ અનુસાર, બેંક લોન્સ ભરપાઇ ન કરનાર ડિફોલ્ટરની મિલકત ટાંચમાં લેવાની પ્રક્રિયાઓમાં કલેક્ટરની જરૂર પડે છે. પરંતુ આવી અરજીઓ પેન્ડિંગ રહેતી હોય, બેન્કો આવા ડિફોલ્ટરની મિલકતો કબજે લઈ શકતી નથી.
રૂ. 242 કરોડની લોન્સની આવી 692 અરજીઓ બે મહિના કરતાં વધુ સમયથી પેન્ડિંગ છે. રૂ. 403 કરોડના 724 કેસ એવા છે જેમાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હુકમો અપાયા બાદ પણ બેન્કોને આવી મિલકતોનું પઝેશન આપવાનું બાકી છે. ગુજરાતમાં લોકોએ બેન્કોમાંથી કુલ રૂ. 10,16,000 કરોડની લોન્સ લીધી છે. આ રકમ પૈકી રૂ. 316.28 અબજની લોન્સ બેન્કોમાં NPA બની ગઈ છે.
રાજ્યમાં ખેતીમાં બેન્કોના રૂ. 5,876 કરોડ ફસાઈ ગયા છે. MSME માં રૂ. 7,926 કરોડ ફસાયેલા છે. હાઉસિંગમાં રૂ. 2,082 કરોડ ફસાઈ ગયા છે. અન્ય લોન્સમાં રૂ. 17,826 કરોડ ફસાયેલા છે. 2023-24માં 6.90 લાખ લોકોને બેન્કોએ મકાનો ખરીદવા અને બનાવવા લોન્સ આપી. આ આંકડો રૂ. 53,590 કરોડનો છે.(symbolic image source:google)