Mysamachar.in-અમદાવાદ:
ગુજરાત સમૃધ્ધ છે અને ખાધેપીધે સુખી છે, એમ સૌ કોઈ માને છે. પણ, સરકારના આંકડાઓ આથી જૂદુ કહી રહ્યા છે ! લોકસભામાં એક પ્રશ્નના ઉત્તરમાં રજૂ થયેલા આંકડાઓ દર્શાવે છે કે, ગુજરાતમાં ખોરાક-પ્રવાહીનું પાચન મોટી ઉપાધિ છે. લોકસભામાં રજૂ થયેલા આંકડાઓ કહે છે: ગુજરાતમાં 5 વર્ષની ઉંમર સુધીના 79.50 ટકા બાળકો એવા છે જેમના શરીરમાં પૂરતું લોહી નથી. આ ઉપરાંત 15 વર્ષની સગીરાથી માંડીને 19 વર્ષની યુવતિઓ પૈકી 69 ટકા એવી છે જે એનિમિયાથી પીડિત છે.
તેનો અર્થ એ થઈ શકે કે, આ બધાં જ ગુજરાતી સંતાનોના શરીરમાં આયર્ન અને વિટામિન પૂરતા પ્રમાણમાં નથી. આયર્નની ખામીને કારણે ખોરાકનું પાચન થતું નથી, જેને કારણે એનિમિયાનો રોગ થાય છે. જેને ગુજરાતી ભાષામાં પાંડુરોગ કહે છે. આયર્ન અને વિટામિનની આ ખામીઓને લીધે આ પ્રકારના લોકોને અન્ય રોગો પણ ઝડપથી થતાં હોય છે, કારણ કે રોગ પ્રતિકારક શક્તિ જ ઘટી ગઈ હોય.
દેશના લડાખને બાદ કરતાં ગુજરાતમાં આ ખામીઓ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળી છે. લડાખમાં 92.5 ટકા લોકો એનિમિયા પીડિત છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં બાળકો અને યુવતિઓ માટે ઘણી આરોગ્ય યોજનાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે છતાં આંકડાઓ નિરાશાજનક રહ્યા છે. મણિપુર અને ઉતરાખંડમાં સ્થિતિઓ સારી છે. બાકી બધાં જ રાજ્યોમાં ચિંતાઓ છે.(symbolic image source:google)