Mysamachar.in-અમદાવાદ:
આ સમાચાર સમાજના વર્તમાન પ્રવાહ વિષેનો માત્ર ઈશારો છે, અત્રે કોઈની પણ લાગણી ન દૂભાય તે માટે અતિ સંયમિત રીતે વસ્તુસ્થિતિ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે,જેની સૌએ નોંધ લેવી. એક હકીકત એ છે કે, આજના સમયમાં પુરુષ અને મહિલાઓ વચ્ચેના સંબંધો એક ચોક્કસ હદની પેલે પાર જઈ ચૂકયા છે અને આ ખતરનાક તથા અસંયમિત ટ્રેન્ડ તેજગતિએ આગળ વધી રહ્યો છે. બદલાતાં સમય સાથે ઘણું બદલાતું હોય છે, અન્ય રાજ્યની માફક ગુજરાતમાં પણ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, લાઈફ પાર્ટનર સાથે દગો અને લગ્નેતર સંબંધોની મજા માણવી- આ પ્રકારની માનસિકતા પુરૂષો ઉપરાંત હવે મહિલાઓમાં પણ નોંધપાત્ર પ્રમાણમાં જોવા મળી રહી છે.
અત્યાર સુધી એવા કિસ્સાઓ જાહેર થતાં જેમાં પરણિત પુરૂષ દ્વારા અન્ય મહિલાઓ સાથે આચરવામાં આવતી રંગરેલિયા સમાચારો બનતી. હવે તેમાં નવી બાબત ઉમેરાઈ છે, પરણિત સ્ત્રીઓ પણ પરાયા પુરૂષ સાથે દોસ્તી અને શારીરિક સંબંધોમાં જોડાઈ રહી છે, પોતાના પતિને અંધારામાં રાખી રહી છે. પુરૂષો અને સ્ત્રીઓની આ માનસિકતા લગ્નવ્યવસ્થા સામે પડકાર બની રહી છે, છૂટાછેડાના બનાવો વધી રહ્યા છે. પતિ અને પત્ની વચ્ચેના ઝઘડાઓ પણ વધી રહ્યા છે. પારિવારીક જિવન પર એક ચોક્કસ પ્રકારનો એટેક વિવિધ પાત્રો તરફથી થઈ રહ્યો છે. આ પ્રકારના કિસ્સાઓ આમ તો ઘણાં સમયથી ત્રૂટક ત્રૂટક રીતે જાહેર થતાં રહે છે પરંતુ હવે પ્રમાણ વધતું જાય છે, આંકડાઓ જાહેર થઈ રહ્યા છે. અને આ પ્રકારના સમાચારો સમાજમાં હવે બહુ ચર્ચાઓ કે ચકચાર જગાવતા નથી.
આ પ્રકારનો ટ્રેન્ડ ઘણાં પરિવારોને તોડી રહ્યો છે, કેટલાંક એમ પણ માને છે કે, સ્ત્રી સશક્તિકરણના આ યુગમાં આમ બનવું સ્વાભાવિક છે. હાલમાં સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ અને ડેટિંગ એપ સહિતની સુવિધાઓ બળતામાં ઘી હોમે છે. મોટાભાગના પુરુષો અને મહિલાઓ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ વગેરે દ્વારા ઘણાં બધાં સ્ત્રીપુરૂષો સાથે જોડાણ ધરાવે છે, જે પૈકી ઘણાં સંબંધો આગળ વધી રહ્યા છે. કેટલાંક સંબંધો હદ પણ વટાવી રહ્યા છે. લોકોની લાઈફ સ્ટાઈલ, પસંદગીઓ અને શરીરભૂખ તથા કોરોનાકાળ બાદ, ઓછાં સમયમાં ભરપૂર જિંદગી જીવી લેવાની તમન્ના તથા જીજીવિષા સહિતના કારણોસર, સમાજમાં સ્ત્રીપુરૂષ સંબંધોનું સ્વરૂપ ઝડપભેર બદલાઈ રહ્યું છે. આ ટ્રેન્ડ આપણી કુટુંબ વ્યવસ્થા અને લગ્ન વ્યવસ્થા સામે પડકાર પૂરવાર થઈ શકે છે.
મહિલા હેલ્પલાઇન અભયમને દર એક કલાકે એવો ફોન મળી રહ્યો છે, જેમાં લગ્નબાહ્ય સંબંધોની વાત હોય. 2018માં આ પ્રકારની ફરિયાદો 3,837 હતી, 2022માં આવી ફરિયાદો 9,382 થઈ ગઈ છે. છેલ્લા પાંચ જ વર્ષમાં લગ્નેતર સંબંધોના મામલામાં અઢી ગણો વધારો થઈ ગયો છે. ઘરેલુ હિંસા અને યૌન શોષણ સંબંધિત કેસોમાં પણ લગ્નેતર સંબંધો વિશેષ પ્રમાણમાં નોંધાઈ રહ્યા છે. વધુ પડતાં મોજશોખ, વધારાની આવક ઉભી કરવાનો પ્રયાસ, દેખાદેખી તથા થ્રીલ ફીલ કરવાની ખ્વાહિશ અને ઓનલાઈન સંબંધોનું વધતું જતું પ્રમાણ- જેવા વિવિધ કારણોસર આ ટ્રેન્ડ તેજગતિએ આગળ વધી રહ્યો છે, સરવાળે પરિણામ શું આવશે ??!