Mysamachar.in-ગાંધીનગર:
વર્ષ 2070 સુધીમાં દેશના કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો કરવાના વિઝનને સાર્થક કરવાની દિશામાં, ગુજરાતની એક સક્રિય ભાગીદારી રહી છે, ગુજરાત પ્રદૂષણ મુક્ત થવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આજે, CNG સ્ટેશનની સંખ્યામાં ગુજરાત સમગ્ર દેશમાં ટૉપ પર પહોંચી ગયું છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ દ્વારા રજૂ કરાયેલા આંકડા અનુસાર જુલાઇ 2023 સુધીમાં, ગુજરાતમાં 1002 CNG સ્ટેશન છે, જેનું નેટવર્ક રાજ્યના 33 જિલ્લાઓને આવરી લે છે.
CNG સ્ટેશનની સંખ્યામાં ગુજરાત બાદ ઉત્તરપ્રદેશ (819), મહારાષ્ટ્ર (778), રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ક્ષેત્ર (કેન્દ્રશાસિત પ્રદેશ -480) અને હરિયાણા (349) છે. જુલાઇ 2023 સુધીમાં ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 5899 સ્ટેશન છે, જેમાંથી 17 ટકા જેટલા ગુજરાતમાં છે. આ તમામ આંકડા પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (PNGRB) દ્વારા અપડેટ કરવામાં આવ્યા છે.
-PNGના ઘરગથ્થુ, વ્યવસાયિક અને ઔદ્યોગિક કનેક્શનની સંખ્યામાં પણ ગુજરાત ટોચ પર
PNGRBએ અપડેટ કરેલા આંકડા અનુસાર, જુલાઇ 2023 સુધીમાં ભારતમાં કુલ 1,14,46,646 ઘરગથ્થુ પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્શન છે, જેમાંથી ગુજરાતની સંખ્યા 30,78,162 છે. તે સિવાય રાજ્યમાં 22,722 વ્યવસાસિક અને 5733 ઔદ્યોગિક કનેક્શન છે.ઉલ્લેખનીય છે કે PNGRB દ્વારા કંપનીઓને દેશમાં અમુક ભૌગોલિક વિસ્તારો CNG સ્ટેશન બનાવવા માટે ફાળવવામાં આવે છે. એટલે ઘણી વખત ફાળવેલ વિસ્તારો બે રાજ્યોની સરહદની આસપાસમાં હોવાથી, યાદીમાં તે વિસ્તારનો બે રાજ્યો સાથે ઉલ્લેખ કરવામાં આવે છે.