Mysamachar.in-ગાંધીનગરઃ
રાજ્યના એસટી વિભાગે કેટલાક નિયમોમાં ફેરફાર કર્યો છે, જેમાં પાસ ધારકોએ હવે ફરજિયાત ટિકિટ લેવી પડશે, બસ કન્ડક્ટર પાસધારકોને જીરો નંબરની ટિકિટ આપશે, આ ટિકિટની મશીનમાં નંબરથી એન્ટ્રી કરવામાં આવશે. તો રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા ડ્રાઇવર-કન્ડક્ટરને લઇને પણ કેટલાક સુધારા વધારા કર્યા છે, જેમાં તેઓએ ડ્રાઇવર-કન્ડક્ટરના કામના સમયમાં અને ટ્રીપમાં વધારો કર્યો છે, એટલે કે રોજની ટ્રીપની સંખ્યા બેમાંથી વધારીને ત્રણ કરવામાં આવી છે, તમામ ડેપો મેનેજરને ખાસ સૂચના આપવામાં આવી છે કે બિન જરૂરી ખર્ચા ઉપર કાપ મુકવામાં આવે.
રિપોર્ટ પ્રમાણે નિગમના જણાવ્યા પ્રમાણે અંદાજે 12 લાખ વિદ્યાર્થી પાસધારકો છે અને 4 લાખ જેટલા કર્મચારી પાસ ધારકો છે. ST નિગમ દ્વારા વિદ્યાર્થીઓના પાસમાં 82.50 ટકા ડિસ્કાઉન્ટ અને મુસાફર પાસમાં 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જ્યારે ગામડાના વિદ્યાર્થીના પાસમાં 100 ટકા કન્સેશન અપાય છે. આટલું મોટું ડિસ્કાઉન્ટ આપવાને કારણે નિગમ પર વધારાનો આર્થિક માર પડતો હતો. જો કે હંમેશા આર્થિક ખોટનો સામનો કરી રહેલા એસટી વિભાગે સતત મુસાફરોને આકર્ષવા અનેક સ્કીમો બહાર પાડી તેમ છતા કોઇ ખાસ આવક થઇ રહી નથી. એવામાં ફરજિયાત ટિકિટથી ફાયદો થવાની આશા સેવાઇ રહી છે.