Mysamachar.in-ગાંધીનગર:
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે ગુજરાત પોલીસની એક અનોખી અને અદ્યતન પહેલ – GP-SMASH (ગુજરાત પોલીસ – સોશિયલ મીડિયા મોનિટરીંગ, અવેરનેસ એન્ડ સિસ્ટમેટિક હેન્ડલિંગ)નો તા.1 લી માર્ચ-2025થી આરંભ કર્યો છે. આ પહેલ અંતર્ગત ત્રણ મહિનામાં રાજ્યના નાગરિકોના ખુબ સારા પ્રતિભાવો મળી રહ્યા છે. ત્રણ મહિનામાં મળેલી 335 રજૂઆતો-પ્રશ્નોને સંબંધિત જિલ્લા, રેન્જ કે એકમના વડાને ટેગ કરી તેનું સમયસર નિરાકરણ લાવવા સૂચના આપવામાં આવી છે. આ પહેલનો મુખ્ય હેતુ સોશિયલ મીડિયા પર રાજ્યના નાગરિકો દ્વારા રજૂ થતી ચિંતાઓ, ફરિયાદો અને સૂચનોને સંવેદના સાથે જવાબદારીપૂર્વક સાંભળવી, ઝડપથી યોગ્ય અધિકારી સુધી પહોંચાડવી અને સમયસર તેનો ઉકેલ લાવવાનો છે.
-GP-SMASH કેવી રીતે કાર્ય કરે છે?
GP-SMASH સોશિયલ મીડિયા અવેરનેસ તેમજ મોનિટરીંગ પ્રોજેક્ટ છે, જેમાં સ્ટેટ લેવલથી એક ડેડિકેટેડ ટીમ 24*7 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ થતી પોલીસ વિભાગને સ્પર્શતી અને ગુના સંબંધિત પ્રવૃત્તિઓ, ફરિયાદો કે સારા કાર્યને રિયલ ટાઈમ વોચ કરે છે. આ ટીમ ગુજરાત પોલીસના X હેન્ડલ ટેગ કરીને કરવામાં આવેલી પોસ્ટને ગણતરીની મિનિટોમાં રિસ્પોન્સ આપે છે.
ત્યાર બાદ લૉ એન્ડ ઓર્ડર, ટ્રાફિક સમસ્યા, પ્રોહીબિશન, સાયબર ફ્રોડ, સરકારી અધિકારી કર્મચારી દ્વારા લાંચ માંગણી કે દુર્વ્યવહાર જેવા વિવિધ પ્રશ્નો સંદર્ભે તાત્કાલિક સંબંધિત રેન્જ, જિલ્લા કે એકમના વડાને તે જ પોસ્ટ ઉપરથી જરૂરી તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવે છે. આ પોસ્ટ અંગે શું કાર્યવાહી કરી તે અંગે પણ સંબંધિત જિલ્લા, રેન્જ કે એકમના વડા તેમની ટીમને ત્વરિત કાર્યવાહી કરવા સૂચના આપશે અને સમય મર્યાદામાં તેમણે કરેલી કામગીરી કે લીધેલા એક્શન તે જ પોસ્ટ પર કોમેન્ટ કરી અપડેટ કરે છે.રાજ્ય સ્તરની ટીમ ઉપરાંત રેન્જ વડા અને જિલ્લા પોલીસ વડા એમ ત્રણ લેવલથી આ બાબતનું સતત મોનિટરિંગ કરી પોલીસે કરેલી કામગીરીને ટ્રેક કરવામાં આવે છે.
-ત્રણ મહિનામાં ૩૧૦થી વધુ સમસ્યાઓનો સકારાત્મક નિકાલ
GP-SMASH પહેલનો અમલ માર્ચ-2025થી કરવામાં આવ્યો છે. 31મી મે સુધી એટલે કે છેલ્લા ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન લૉ એન્ડ ઓર્ડર ડીઆઈજી દીપક મેઘાણીના નેતૃત્વમાં GP-SMASH ટીમે 335 નાગરિકોની રજૂઆતોને સંબંધિત અધિકારીઓ સુધી પહોંચાડી છે. નોંધનીય છે કે તેમાંના મોટા ભાગના પ્રશ્નો એટલે કે 310થી વધુ પ્રશ્નો ગણતરીના કલાકોમાં ઉકેલી દેવામાં આવ્યા છે, જે જનસંવાદ માટે એક મોટી સફળતા છે.