Mysamachar.in-ગુજરાત:
જામનગર સહિત રાજ્યભરમાં આગામી વિધાનસભા ચૂંટણી સંદર્ભે બધાં જ રાજકીય પક્ષો ખૂબ જ સક્રિય છે. ખાસ કરીને ભાજપા ખૂબ જ એક્ટિવ છે. વડાપ્રધાન અને ગૃહમંત્રી પોતાનાં આ હોમ સ્ટેટની ચૂંટણીને અતિ ગંભીર રીતે જોઈ રહ્યા છે. કાલે શુક્રવારે મોડી રાત્રિ સુધી વડાપ્રધાનનાં નિવાસસ્થાને ગુજરાતમંથન માટે મેરેથોન બેઠક યોજાઇ હોવાનું જાણવા મળ્યું છે. શુક્રવારે વડાપ્રધાનનાં નિવાસસ્થાને અંદાજે પાંચ કલાક સુધી આ મેરેથોન બેઠક યોજાઇ હતી. જેમાં અમિત શાહ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલ તથા સી.આર.પાટિલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
શુક્રવારે રાત્રે આ તમામ નેતાઓનાં વાહનોનો કાફલો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નિવાસસ્થાને પહોંચ્યો હતો જ્યાં પાંચ કલાક સુધી ગુજરાતની ચૂંટણી અંગે વડાપ્રધાને સૌને માર્ગદર્શન આપ્યું હતું. જો કે આ બેઠક અંગે પક્ષ તરફથી કોઈ સતાવાર કે ઔપચારિક નિવેદન જાહેર થયું નથી પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કાલે બપોરે ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી અંગે જાહેરાત કર્યા પછી વડાપ્રધાન દ્વારા તમામ નેતાઓને નિવાસસ્થાને બોલાવવામાં આવ્યા હતાં.
ગુજરાતમાં આ વખતે વિધાનસભા ચૂંટણી ખૂબ જ મહત્વની પૂરવાર થશે. રાજકીય નિરીક્ષકોનાં જણાવ્યા પ્રમાણે, આ ચૂંટણી 2024 ની લોકસભા ચૂંટણી પૂર્વે ગુજરાત તથા ભાજપા માટે અતિ મહત્વની પૂરવાર થનાર હોય, વડાપ્રધાન કોઈ કસર છોડવા માંગતા નથી એવું સમજાઈ રહ્યું છે. આ ઉપરાંત આગામી 18 ઓક્ટોબરે ગાંધીનગર ખાતે વિશાળ ડિફેન્સ એક્સ્પો યોજાઈ રહ્યો છે, જેમાં પણ વડાપ્રધાન ઉપસ્થિત રહેવાનાં છે, 19 ઓક્ટોબરે વડાપ્રધાન ગુજરાતમાં મહત્વના પ્રવાસ કાર્યક્રમ યોજવાના છે. આ બધી બાબતો ધ્યાનમાં રાખી, શુક્રવારે રાત્રે યોજાયેલી આ બેઠકમાં ગુજરાત અંગે મહત્વની ચર્ચાઓ થઈ હશે, એમ સૂત્રો જણાવી રહ્યા છે. આ વખતની ચૂંટણીમાં વડાપ્રધાન અને અમિત શાહ શું વ્યૂહરચના ગોઠવી રહ્યા છે ?! તે અંગે અત્યાર સુધી ભારે ચૂપકીદી અને સસ્પેન્સ જોવા મળી રહ્યા છે, તે પણ નોંધનીય છે.