Mysamachar.in-ગાંધીનગર:
હાલના આધુનિક યુગમાં ઈલેક્ટ્રોનિક સામાન જયારે કચરો બની જાય છે ત્યારે તેનો યોગ્ય રીતે નિકાલ કરવો એ પણ એક મોટો વિષય છે, કેમ કે દર વર્ષે આવો હજારો ટન કચરો એટલે કે, ઈ-વેસ્ટ જનરેટ થતો હોય છે. વર્ષ 2022માં એકલાં ગુજરાત રાજ્યમાં 30,569 ટન ઈ-વેસ્ટ કલેકટ કરવામાં આવ્યો. અને તેથી ગુજરાત સરકારે હવે આ માટે ઈ-વેસ્ટ પોલિસી ફ્રેમ કરી છે. જો કે દેશભરમાં સૌથી વધુ ઈ-વેસ્ટ હરિયાણામાં જનરેટ થાય છે, તેનો વાર્ષિક આંકડો 2.45 લાખ ટનનો છે.
ગુજરાત સરકારે બનાવેલી ઈ-વેસ્ટ પોલિસીમાં વિવિધ ઈલેક્ટ્રોનિક સામાન અને ડિવાઇસનું સરેરાશ આયુષ્ય પણ નક્કી કરવામાં આવ્યું છે. સંખ્યાબંધ સરકારી કચેરીઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં દર વર્ષે ઈ-વેસ્ટ જનરેટ થતો હોય છે, હજારો ડિવાઇસ ખૂબ જૂના અથવા બિનઉપયોગી જાહેર થતાં હોય છે, આ ઉપરાંત ખાનગી ઓફિસ વગેરે દ્વારા પણ અને વ્યક્તિગત સ્તરે પણ મોટાં પ્રમાણમાં ઈ-વેસ્ટ જનરેટ થતો હોય છે. આ બધાં જ કચરાનું દર વર્ષે સારી રીતે કલેક્શન અને નિકાલ થાય તે માટે સરકારે આ ઈ-વેસ્ટ પોલિસી તૈયાર કરી છે.
આ પોલિસી અંતર્ગત સેલફોન અને ટેબલેટથી માંડીને ઈલેક્ટ્રોનિક ડેટા સ્ટોરેજ ડિવાઇસ અને ઈન્વર્ટર સુધીના તમામ ડિવાઇસનું આયુષ્ય નિર્ધારીત કરવામાં આવ્યું છે, જે સરેરાશ પાંચથી દસ વર્ષનું નક્કી કરવામાં આવ્યું છે. સરકારી કચેરીઓ ઉપરાંત ખાનગી સેક્ટર પાસેથી કેવી રીતે ઈ-વેસ્ટ કલેકટ કરવો તે માટેની જોગવાઈઓ પણ ઘડી કાઢવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યભરની શૈક્ષણિક સંસ્થાઓમાંથી ઈ-વેસ્ટ કેવી રીતે કલેકટ કરવો અને આ કામ માટે ગ્રામ્ય સ્તર સુધીનું કલેક્શન નેટવર્ક કેવી રીતે સેટ કરવું- તે અંગે પણ જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે.
ઈ-વેસ્ટ પૈકી કેવા સાધનોને કેવી રીતે રિસાયકલ કરવા, હેન્ડલીંગ મેનેજમેન્ટ કેમ ગોઠવવું અને ઈ-વેસ્ટમાં કોઈ પણ ડિવાઇસને લઈ જતી વખતે, તેના ડેટા લીકેજીસ રોકવા શું પગલાંઓ લેવા? તે અંગે પણ વિચારણાઓ કરવામાં આવી છે. આ પોલિસીના અસરકારક અમલ માટે રાજયકક્ષાએ એક IT કમિટી બનાવવામાં આવી છે. આ ઉપરાંત દરેક સરકારી વિભાગ તથા કચેરીઓએ પણ આવી IT કમિટી બનાવવાની રહેશે. જેમાં IT નિષ્ણાંત ઉપરાંત રેકોર્ડ શાખાના હેડ, એકાઉન્ટ શાખાના સભ્ય, ડિવાઇસની ઉપયોગિતા એસેસ કરી શકે એવા અધિકારી તથા નિકાલની ભલામણ કરવાની સત્તા ધરાવતાં અધિકારી વગેરેનો સમાવેશ કરવાનો રહેશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, કેટલાંક ડિવાઇસ જોખમી પણ હોય છે. તેમાં ચોક્કસ ઝેરી ધાતુઓ તેમજ તરત સળગી ઉઠે તેવા પદાર્થો પણ હોય છે. આ પ્રકારનો ઈ-વેસ્ટ હવા તથા પાણીને પ્રદૂષિત પણ કરી શકે છે, નિકાલ દરમિયાન આ બાબતનો પણ વિચાર કરવો પડે. જે રિસાયકલર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં નોંધાયેલાં હોય, તેઓ જ ઈ-વેસ્ટનો નિકાલ કરી શકે અને એ માટે ચોક્કસ નિયમોનું પાલન કરે તે માટેની જોગવાઈઓ પણ આ પોલિસીમાં દાખલ કરવામાં આવી છે. એમ પણ જાહેર થયું છે કે, હાલ ગુજરાતમાં આ પ્રકારના ઈ-વેસ્ટને રિસાયકલ અથવા નિકાલ કરી શકે તેવા 40 ધંધાર્થીઓ રજિસ્ટર્ડ થયેલાં છે. અને, રાજ્યમાં 93 પેઢીઓ એવી છે, જે મોટાં જથ્થામાં ઈ-વેસ્ટ જનરેટ કરી રહી છે.