Mysamachar.in-ગાંધીનગર
રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં જમીન વિકાસ નિગમ લીમીટેડ દ્વારા જ્યાં પાણીની જરૂરિયાત હોય ત્યાં વિવિધ યોજનાઓ હેઠળ ખેતતલાવડી, તળાવ વગેરેના કામો કરવામાં આવતા હોય છે, પણ ખરેખર આવા કામો કરવાના બદલે અથવા અધૂરા કામો કરી સ્થાનિક અમુક લોકો સાથે મિલીભગત કરી માત્ર કાગળ પર કામ કરી અને સરકારની કરોડોની ગ્રાન્ટ ગુજરાત જમીન વિકાસ નિગમના અધિકારીઓ ઓહ્યા કરી જાય છે, અને કરોડોની અપ્રમાણસરની મિલકતો એકઠી કરે છે,
ACBના સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ છેલ્લા કેટલાક સમયમાં ગુજરાત જમીન વિકાસ નિગમ લિમિટેડના અધિકારીઓ દ્વારા અપ્રમાણસર મિલકત વસાવવા બદલ કુલ 14 ગુના દાખલ થયા છે. જેમાં વર્ગ 1 ના 2, વર્ગ 2 ના 5, અને વર્ગ 3 ના 7 એમ કુલ 14 આરોપીઓ વિરુદ્ધમાં 35 કરોડ 98 લાખ ની અપ્રમાણસર મિલકતના ગુના દાખલ થયા છે. જ્યારે સતાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરનાર સામે 56 કેસ દાખલ કરીને, આરોપી 285 ધરપકડ કરી છે. જેમાં વર્ગ 1 – 3 અધિકારી, વર્ગ 2 – 64 અધિકારી, વર્ગ 3 – 92 અધિકારી ખાનગી 126 લોકો મળી 285 ધરપકડ કરાઈ છે,
ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમમાં એક પછી એક ભ્રષ્ટાચાર અને અધિકારીઓની અપ્રમાણસર મિલકતો બહાર આવી રહી છે. ત્યારે વધુ એક ક્લાસ વર્ગ-૩ના અધિકારીની કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત ને લઇ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આણંદમાં ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના વર્ગ-3ના ફિલ્ડ આસિસ્ટન્ટ ધીરુભાઈ શર્માની 8 કરોડ 4 લાખ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી. જેમાં ત્રણ વર્ષમાં 1 કરોડ 18 લાખ રોકડ રકમ તેમજ જુદા-જુદા બેંક એકાઉન્ટમાં જમા તેમજ રોકડ રકમની સ્થાવર મિલકત ખરીદી અને ખર્ચ 1.10 કરોડ ખર્ચ મળી આવ્યો, અને ખેડામાં કરોડો રૂપિયાની કિંમતનો જલાશ્રય રિસોર્ટ અને લક્ઝુરિયસ કાર મળી આવી છે.
જો કે આરોપી ધીરુ શર્માએ ખેડા, નડિયાદમાં અલગ અલગ મિલકતો પોતાના કૌટુંબિકના નામે લીધી હોવાનું પણ સામે આવ્યું છે. જેમાં હજી પણ કેટલીક મિલકત છે જે મામલે એસીબીએ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી દીધી છે. પહેલી નજરે કરોડોની મિલકત અને તેના ખર્ચા જોઈ એસીબી પણ ચોંકી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે જમીન વિકાસ નિગમ યોજના નામે સરકારી અધિકારીઓ કરોડો રૂપિયાના કૌભાંડ આચરી અને કરોડો રૂપિયા મિલકત બનાવી રહ્યા છે જેમની સામે એસીબી લાલઆંખ કરી અનેક કેસો કરી રહ્યા છે.