Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતમાં કુપોષણ અને બેરોજગારી જેવા વિષયોની સાથે સાથે સોનાની ચિક્કાર ઈમ્પોર્ટ પણ કાયમ ચર્ચાઓમાં રહેતો વિષય છે. ગુજરાતીઓ ચિક્કાર સોનું ખરીદે છે, પહેરે પણ છે અને સોનામાં ઈન્વેસ્ટમેન્ટ પણ પુષ્કળ પ્રમાણમાં કરે છે, સોનાની બેફામ દાણચોરી ઉપરાંત ‘હિસાબ’ સાથેનું સોનું પણ ગુજરાતમાં મોટા પ્રમાણમાં આયાત થાય છે.
ફેબ્રુઆરી-2023ની સરખામણીએ ફેબ્રુઆરી-2024માં સોનાની આયાતમાં 154 ટકાનો ઉછાળો નોંધાયો. 2023ના ફેબ્રુઆરીમાં ગુજરાતે 5.47 મેટ્રિક ટન સોનું આયાત કરેલું, આ વર્ષે ફેબ્રુઆરીમાં 13.9 મેટ્રિક ટન સોનું ગુજરાતમાં આવ્યું. એ જ રીતે વર્ષ 2022-23 દરમિયાન 12 મહિનામાં 41.88 ટન સોનાની આયાત સામે, આ વર્ષે 2023-24 માં, એપ્રિલથી ફેબ્રુઆરી દરમિયાન, 11 મહિનામાં 78.21 મેટ્રિક ટન સોનું ગુજરાતમાં ‘હિસાબ’ સાથે ઠલવાયું. આ આંકડા 86 ટકાનો તોતિંગ ઉછાળો દેખાડે છે અને ઝીરોમાં આવતું ગોલ્ડ અલગ.
ઝવેરીઓ કહે છે, લગ્નો માટે લોકો સોનાની મોટી ખરીદી કરી રહ્યા છે. જો કે, સોનીબજારના સૂત્ર સાથેસાથે એમ પણ કહે છે કે, આયાત વધવાનું એક કારણ સોનામાં ઈન્વેસ્ટમેન્ટ પણ સારૂં એવું વધી રહ્યું છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, મંગળવારે અમદાવાદની બજારમાં તોલા સોનાનો ભાવ, ઓલટાઈમ હાઈ રૂ. 66,500 રહ્યો હતો.
ખૂબીની વાત એ પણ છે કે, 2023માં સોનાનો ભાવ સરેરાશ ઉંચો જ રહ્યો, સાથેસાથે સોનાનું વેચાણ પણ ઘણું થયું. એમ પણ માનવામાં આવે છે કે, આ વર્ષના અંત સુધીમાં ધીમેધીમે ભાવ વધીને રૂ. 70,000 થઈ શકે છે. કારણ કે, ડિમાન્ડ કયારેય ઘટતી નથી, વર્ષભર સોનાનું વેચાણ થતું જ રહે છે.
સોનાના કુલ વેચાણનાં આંકડામાં જૂના સામે નવું સોનું અને જૂના સોનાની સામે નવા સોનાની ખરીદી વખતે, થોડું વધુ સોનું ખરીદવાનો ટ્રેન્ડ, લગભગ 70 ટકા કેસમાં જોવા મળે છે. આ ઉપરાંત બિસ્કિટ અને ગીનીની ખરીદી નોંધપાત્ર થઈ રહી છે. આ વખતે પણ ઓગસ્ટથી લોકોની ખરીદીમાં ઉછાળો આવશે, એમ અમદાવાદના એક અગ્રણી જવેલર્સ કહે છે.