Mysamachar.in-ગાંધીનગર:
NEET ની પરીક્ષાઓ સંબંધે સૌ સત્તાવાળાઓ જે રીતે નિષ્ફળ રહ્યા છે, તે મામલો દેશભરમાં ભારે ચર્ચાઓમાં છે અને ઠેરઠેર લાખો વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પણ નોંધાવવામાં આવી રહ્યો છે. આજથી શરૂ થયેલાં સંસદસત્રમાં પણ NEET ખૂબ જ ગાજશે. દરમિયાન, ગુજરાત સરકારે NEET UGની તપાસ અને આ અગાઉ ગોધરામાં આ સંબંધે નોંધાયેલી FIR ની તપાસ પણ, CBI ને સોંપવાનો નિર્ણય જાહેર કરી દીધો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગોધરા ઘણાં સમયથી આ બાબતે ગાજી રહ્યું છે. ધરપકડો પણ થઈ છે અને વિદ્યાર્થીઓની દુનિયામાં આ કૌભાંડ ચર્ચાઓમાં પણ બહુ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, કાલે રવિવારે સાંજે એમ પણ જાહેર થયું છે કે, કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયે ખુદે જ NEET UG કેસની તપાસ CBI ને હવાલે કરી દીધી છે. CBI ની ટીમ બિહાર અને ગુજરાતમાં તપાસ કરી રહી છે. બરાબર એ જ સમયે ગુજરાતમાં પણ જાહેર થયું કે, ગુજરાતે NEET UG તપાસ CBI ને સોંપી.
CBI બિહાર અને ગુજરાતમાં આરોપીઓની કડક પૂછપરછ કરી રહી છે, દરમિયાન CBI એ મહારાષ્ટ્રમાંથી પણ બે શિક્ષકોની ધરપકડ કરી લીધી છે. બિહારના નવાદામાં CBI ની ટીમ પર હુમલો થયો છે. CBI નેશનલ ટેસ્ટિંગ એજન્સીના અધિકારીઓની પણ પૂછપરછ કરશે. અત્રે નોંધનીય છે કે, NTAના બોસ સુબોધસિંહને ઘરે બેસાડી દેવામાં આવ્યા છે. NEET પરીક્ષાઓ સંબંધે દેશભરમાં વિદ્યાર્થીઓમાં ભારે ગુસ્સો છે. ગુજરાતમાં પણ આરોપીઓએ આ સંબંધે મોટું નેટવર્ક વિસ્તારી લીધું છે. હવે આ તપાસ ગુજરાત પોલીસના બદલે CBI કરશે.