Mysamachar.in:ગાંધીનગર
કોઈ પણ સરકાર હોય, તેણે હજારો અથવા લાખો નિવૃત્ત કર્મચારીઓને અબજો રૂપિયા પેન્શન ભથ્થાં ચૂકવવા પડતાં હોય છે. ગુજરાત સહિત દેશનાં વિવિધ રાજ્યોમાં તથા કેન્દ્ર સરકારમાં પણ આ વિચિત્ર સ્થિતિ જોવા મળી રહી છે ! ‘કેગ’ નો વર્ષ 2019/20નો અહેવાલ જણાવે છે કે, ગુજરાત-કર્ણાટક અને પશ્ચિમ બંગાળ તથા કેન્દ્ર સરકારનાં આંકડા જણાવે છે કે, તેઓનાં વાર્ષિક નાણાંકીય ખર્ચમાં પગાર-વેતન બિલ કરતાં પેન્શન ખર્ચ બિલ મોટું છે ! ગુજરાત સરકારનાં આંકડા કહે છે: વર્ષ દરમિયાન પગાર-વેતન પાછળ રૂ.11,126 કરોડનો ખર્ચ થાય છે. જ્યારે આ જ વર્ષ દરમિયાનનો પેન્શન ખર્ચનો આંકડો રૂ.17,663 કરોડ રૂપિયા છે ! આ આંકડાઓ હળવી દ્રષ્ટિએ જોઈએ તો એમ કહી શકાય કે, ગુજરાત સરકાર એક મોટો વૃધ્ધાશ્રમ ચલાવતી હોય તેવું દેખાઈ રહ્યું છે !
કેન્દ્ર સરકારે વર્ષ 2019/20માં પગાર અને વેતન પાછળ જે ખર્ચ કર્યો તેનાં કરતાં 132 ટકા વધુ ખર્ચ એ જ વર્ષમાં પેન્શન પાછળ કર્યો હતો. સરકારનાં પૂર્વ નિર્ધારિત ખર્ચનાં આંકડાઓમાં પેન્શન પર થતાં ખર્ચનો આંકડો એક મહત્ત્વનો આંકડો છે. જે બહુ મોટો રહે છે. આ ખર્ચનું સરકારને કોઈ જ વળતર મળતું નથી. એક અર્થમાં આ તોતિંગ ખર્ચ સંપૂર્ણ બિન ત્પાદક ખર્ચ છે. એમાં પણ કેટલાંક રાજ્યોએ ઓલ્ડ પેન્શન યોજના લાગુ કરી છે, જેને પરિણામે પેન્શન ખર્ચ બહુ મોટો રહેશે. ગુજરાતમાં પણ સરકાર પર જૂની પેન્શન યોજના લાગુ કરવા અંગે મોટું દબાણ છે. જો આમ થશે તો સરકારનો પેન્શન ખર્ચ વધુ તોતિંગ થશે.