Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાત સરકાર પર ચારે તરફથી પ્રસંશાના ફૂલોની વર્ષા વચ્ચે, એક કાંટેદાર હકીકત એ બહાર આવી કે, આ સરકાર ‘કાયમી’ નહીં પણ ‘હંગામી’ અને ‘રોજમદાર’ કર્મચારીઓના ટેકે ચાલે છે. અને, આ હંગામી, કરાર આધારિત અને રોજમદાર કર્મચારીઓને પગાર આપવા ગુજરાત સરકાર રૂ. 1,000 કરોડ ખાનગી એજન્સીઓને આપે છે- આ ખાનગી એજન્સીઓ પોતાના કર્મચારીઓનું ભયાનક આર્થિક સહિતનું શોષણ કરે છે. જે મુદ્દે સરકારના અધિકારીઓ ચૂપ રહે છે.
ગુજરાતમાં ‘સરકારી’ કર્મચારીઓની સંખ્યા 4.5 લાખ છે. જયારે કરાર આધારિત એટલે કે કોન્ટ્રાક્ટ પ્રથા મુજબ કામ કરતાં 3 લાખ કર્મચારીઓ, આઉટસોર્સ કર્મચારીઓ તરીકે કામ કરતાં 3 લાખ કર્મચારીઓ અને રોજમદાર તરીકે કામ કરતાં 1 લાખ કર્મચારીઓ મળી કુલ 7 લાખ કર્મચારીઓ છે હંગામી પણ ‘સરકારી’ કામો કરી રહ્યા છે- આ કર્મચારીઓથી ‘સરકાર’ ચાલે છે.

અન્ય રાજ્યોમાં સરકારી કર્મચારીઓ કામ કરે છે, ગુજરાતમાં કેમ નહીં ? કરાર આધારિત કર્મચારીઓ અને આઉટસોર્સ કર્મચારીઓના મંડળોએ સરકારને રજૂઆત કરેલી છે જ કે, અન્ય રાજ્યોમાં કરાર આધારિત કર્મચારીઓની પ્રથા બંધ કરવામાં આવી છે. ગુજરાતમાં પણ આ પ્રથા નાબુદ થવી જોઈએ. આ મંડળોએ અન્ય 17 રાજ્યના આ અંગેના આધારો પણ સરકારને આપેલાં છે અને માંગ કરવામાં આવી છે કે, આ કર્મચારીઓને કાં નિયમિત કરવામાં આવે અથવા નિયમિત કર્મચારીઓ જેવા લાભો આપવામાં આવે.
ગુજરાતમાં વર્ષ 1998-99 માં ફિક્સ પગારની નીતિ અમલમાં આવી. 2000થી 2004 સુધીમાં આ નીતિ અંતર્ગત શિક્ષણ વિભાગ ઉપરાંત અન્ય સરકારી વિભાગોમાં પણ ભરતીઓ થઈ. અને, 2006થી રાજ્યના તમામ વિભાગોમાં વર્ગ 3 અને વર્ગ 4 ના કર્મચારીઓની નિમણૂક ફિક્સ પગારથી કરવામાં આવે છે. આ લાખો કર્મચારીઓની હાલત કફોડી છે. ખાનગી એજન્સીઓ આવા કર્મચારીઓને પૂરા પગાર આપતી નથી. કરાર આધારિત કર્મચારીઓને મળતો પગાર નજીવો હોય છે, અન્ય લાભો આપવામાં આવતાં નથી. રાજ્યમાં આરોગ્ય વિભાગ(રૂ. 475 કરોડ) અને કૃષિ વિભાગ(રૂ. 150 કરોડ) આ હંગામી કર્મચારીઓ પાછળ મોટો ખર્ચ કરે છે. આ ઉપરાંત બંદર અને વાહન વ્યવહાર વિભાગથી માંડીને મહેસૂલ વિભાગ સુધીના વિભાગો આ હંગામી કર્મચારીઓ પાછળ રૂ. 18 કરોડથી માંડીને રૂ. 90 કરોડ સુધીનો વાર્ષિક ખર્ચ કરે છે.
