Mysamachar.in-અમદાવાદ:
એક તરફ સર્વત્ર સ્વચ્છતા સંબંધે કાર્યક્રમો યોજાતાં રહેતાં હોય છે અને બીજી તરફ, સ્વચ્છતા સંબંધે તંત્રોએ ખરેખર જે કામગીરીઓ કરવાની હોય છે અથવા મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ જે ફરજો બજાવવાની હોય છે, તેમાં બધું બરાબર હોતું નથી, એવી વિગતો રેકર્ડ પર આવતાં NGT એ ગુજરાત સરકારને રૂ. 2,100 કરોડનો દંડ ફટકાર્યો છે.
ગુજરાતમાં સ્વચ્છતા અને પ્રદૂષણ નિયંત્રણ સંબંધે વાસ્તવિક સ્થિતિઓ શું છે.? તે અંગે અવારનવાર ચર્ચાઓ ઉઠતી હોય છે. ભારતની પ્રદૂષણ નિયંત્રણ અને પર્યાવરણ સંબંધિત સૌથી મોટી સરકારી એજન્સી NGT (નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ)એ ગુજરાત સહિતના રાજયોને આ બધી ખામીઓ અંગે અબજો રૂપિયાના દંડ જાહેર કર્યા છે, જેમાં ગુજરાતને રૂ. 2,100 કરોડનો દંડ થયો છે.
ગુજરાતમાં હવા,પાણી અને જમીનોને પ્રદૂષિત કરવામાં ઉદ્યોગોની ભૂમિકાઓ મોટી છે અને આ બાબતે મહાનગરપાલિકાઓ તથા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સક્રિય રીતે ફરજો નિભાવતા નથી. જામનગર સહિત ગુજરાતભરમાં નદીઓ દૂષિત છે, કોર્પોરેશન તથા પ્રદૂષણ નિયંત્રણ કચેરીઓ આ બાબતે ઉદાસીન રહે છે, સરકાર આ ઉદાસીનતાની સમીક્ષા કરતી નથી, ઉદાસીન સંસ્થાઓને ઠપકો પણ આપતી નથી, તેથી બધી જ જગ્યાએ અંધેર ચાલી રહ્યું હોવાનું દેખાઈ રહ્યું છે.
ગુજરાતમાં 2021 સુધીમાં બધે જ સૂએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનવા જોઈએ અને અસરકારક રીતે કામ કરવા જોઈએ, એવો NGTનો આદેશ હતો. પરંતુ એમ થયું નથી અને એવો પણ આદેશ હતો કે, ગુજરાતમાં દરેક શહેરોમાં ઘન કચરાનો યોગ્ય રીતે નિકાલ થવો જોઈએ, આ આદેશ મુજબ કામ થતું નથી, આથી ગુજરાત સરકારને આ ભારેખમ દંડ કરવામાં આવ્યો છે.
NGT એ ગુજરાત સહિતની રાજ્ય સરકારોને આદેશ કર્યો હતો કે, નદીઓમાં શહેરોનું અને ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી છોડતાં પહેલાં આ પાણીને ટ્રીટમેન્ટ આપવાની, શુદ્ધ કરવાનું- આ આદેશની પણ અમલવારી થતી નથી. શહેરોમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમો માત્ર કાગળ પર છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે સરકારને એમ પણ કહ્યું હતું કે, પ્રદૂષણ ઓકતાં નાનાં, મધ્યમ અને મોટાં ઉદ્યોગોને રૂ. 25 લાખથી માંડીને રૂ. 1 કરોડ સુધીનો દંડ કરો. આમ છતાં હવા અને પાણી પ્રદૂષિત થઈ રહ્યા હોય, NGT એ સખતાઈનો ઉપયોગ કરીને ગુજરાત સરકારને આ દંડ કર્યો છે.