Mysamachar.in:ગાંધીનગર
ગુજરાતનાં પ્રધાનમંડળની સાપ્તાહિક બેઠક બુધવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રીનાં અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી જેમાં કેટલાંક નિર્ણયો લેવામાં આવ્યા હતા. જે અંગે પ્રવક્તામંત્રીએ પત્રકારોને બેઠક સંપન્ન થયા બાદ માહિતી આપી હતી. કેબિનેટની આ બેઠક બાદ પ્રવક્તામંત્રી (આરોગ્યમંત્રી) ઋષિકેશ પટેલએ પત્રકારોને જણાવ્યું હતું કે, બેઠકમાં વ્યાજખોરી સામેની ઝુંબેશ, ધોરણ એકમાં પ્રવેશ આપવાનો મુદ્દો તથા સરકારનાં પરિપત્રોની સમયમર્યાદા નક્કી કરવા સહિતના મુદાઓની ચર્ચા કરવામાં આવી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ધોરણ એકમાં પ્રવેશ મુદ્દે કેન્દ્ર સરકારનું માર્ગદર્શન માંગવામાં આવ્યું છે. કેન્દ્રમાંથી જે નિર્દેશ મળશે તે અંગે વિચારણા કરીને ગુજરાતમાં આગામી શૈક્ષણિક સત્રથી ધોરણ એકમાં પ્રવેશ મુદ્દે શું નિર્ણયો લેવા તે અંગે વિચારણા કરવામાં આવશે.
આ ઉપરાંત કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિ (નેશનલ એજ્યુકેશન પોલિસી) નો ગુજરાતમાં ઝડપી અને અસરકારક અમલ કરાવવા એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આ નિષ્ણાતો જરૂરી ભલામણો અને કાર્યવાહીઓ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ધોરણ એકમાં પ્રવેશ મુદ્દે પાંચ દિવસ પહેલાં પણ ગુજરાત સરકારનું આ જ સ્ટેન્ડ જાહેર થયેલું. કેબિનેટની બેઠકમાં આ મુદ્દે કોઈ નવો નિર્ણય લેવામાં આવ્યો નથી. આ ઉપરાંત કેબિનેટ બેઠકમાં સરકારનાં પરિપત્રોની ચોક્કસ અવધિ નક્કી કરવા અંગે નિર્ણય કરવામાં આવશે. એ ચર્ચા પણ થઈ હતી. જે માટે માર્ચના અંત પહેલાં જરૂરી ઠરાવ કરવામાં આવશે, એમ પ્રવક્તામંત્રીએ પત્રકારોને જણાવ્યું હતું.