Mysamachar.in-ગાંધીનગર:
આ વર્ષે અતિવૃષ્ટિને લઈને આખરે ગુજરાતના ખેડૂતોને રાહત પેકેજની જાહેરાત કરાઈ છે. કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. ખેડૂતોને પાક નુકશાનીમાં સહાયની જાહેરાત કરાઈ આજે કેબીનેટ બેઠક બાદ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ અને કૃષિમંત્રી રાઘવજી પટેલે પત્રકાર પરિષદ સંબોધી વિગતો જાહેર કરી હતી.
ઓગષ્ટ-2024માં થયેલ ભારે વરસાદના પરિણામે પાક નુકશાન થયેલ હતું. જે સંદર્ભે ખેડૂતોને રાહત આપવા રાજય સરકાર દ્વારા ખાસ પેકેજ જાહેર કરવામાં આવે છે. આ પેકેજ દ્વારા સરકારે કુલ રૂ.1419.62 કરોડની સહાય ખેડૂતોને ચુકવવાનો નિર્ણય કરેલ છે. જેમાં SDRF ઉપરાંત રાજય સરકારઍ પોતાના ભંડોળમાંથી નુકસાનની તીવ્રતા ધ્યાને લઇ રાજય બજેટમાંથી વધારાની રકમ ચૂકવવા નિર્ણય કરેલ છે.
ઓગસ્ટ માસના આ પેકેજમાં પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ખેડા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરૂચ, જુનાગઢ, સુરત, પાટણ અને છોટા ઉદેપુર ઍમ 20 જિલ્લાના 136 તાલુકાના કુલઃ 6812 ગામોનો સમાવેશ થયેલ છે. આ પેકેજ દ્વારા રાજયના 7 લાખથી વધુ ખેડૂતોને રાહત પેકેજ હેઠળ આવરી લીધેલા છે. આ રાહત પેકેજના કુલઃ1419.62 ૬૨ કરોડ પૈકી રૂ.1097.31 કરોડ SDRF હેઠળ આપવામાં આવશે અને રાજય બજેટમાંથી સહાય પેટે રૂ.322.33 કરોડની રકમ ચૂકવવામાં આવશે.
આ વિશે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ઓગસ્ટ માસના સમયની આ સહાય છે. અત્યારે જે વિસ્તારોમાં અતિવૃષ્ટિ થઈ છે ત્યાં પણ તાત્કાલિક સર્વ કરીને સહાય માટે મુખ્યમંત્રી નિર્ણય લેશે. ખેડૂતોની જે જમીન ધોવાણ થયું છે તેનો સર્વ કામગીરી ચાલુ છે તેનો રિપોર્ટ આવ્યા બાદ સહાનુભૂતિ પૂર્વક વિચારણા કરવામાં આવશે.