Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આવતીકાલ 2 માર્ચથી બજેટ સત્ર મળી રહ્યું છે, આવતીકાલે 2 માર્ચથી શરૂ થઈ રહેલું વિધાનસભાનું સત્ર રાજયપાલના સંબોધન સાથે શરૂ થશે, જ્યારે રાજયનું બજેટ ૩ માર્ચે રજૂ કરવામાં આવશે. વર્તમાન સરકાર તેના પ્રથમ બજેટમાં શિક્ષણ, આરોગ્ય, સામાજિક ન્યાય, સશકિતકરણ અને કૃષિની ગ્રાન્ટમાં વધારો કરી શકે છે. ગુજરાતમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ ૩ માર્ચે પ્રથમ બજેટ રજૂ કરશે. વર્તમાન સત્રમાં 8 શનિવાર–રવિવારની રજાઓ સિવાય, સત્ર 18 માર્ચે હોળીની રજા સહિત 9 દિવસને બાદ કરતાં બાકીના 22 દિવસો માટે મળશે.જાણકારોના મતે આ સત્રમાં સૌથી મહત્વની બાબત એ છે કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું પ્રથમ બજેટ, નાણામંત્રી કનુભાઈ દેસાઈનું પણ પ્રથમ બજેટ, સાથે સાથે વિપક્ષના નેતા તરીકે સુખરામ રાઠવાનું પણ પહેલું બજેટ છે, તે જોતા વિધાનસભાનું આ સત્ર અનોખું બની શકે છે.
3 માર્ચે નાણામંત્રી વિધાનસભામાં 2022-23નું બજેટ રજૂ કરશે. 22 દિવસ સુધી ચાલનારા આ સત્રમાં શિક્ષણ, આરોગ્ય, સામાજિક ન્યાય અધિકારીતા, કૃષિ વિભાગની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવશે. વિધાનસભામાં બજેટ પર 4 દિવસ ચર્ચા થશે. તે પછી રાજયપાલના અભિભાષણ પર ત્રણ દિવસની ચર્ચાની સાથે સાથે વિવિધ વિભાગોની પૂરક માંગણીઓ પર બે દિવસીય ચર્ચા થશે. વિધાનસભા ગૃહમાં ઓર્ગેનિક કૃષિ યુનિવર્સિટી સુધારા વિધેયક અને ગુજરાત જમીન પચાવી પાડનાર પ્રતિબંધક સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે.તો આ સત્ર દરમિયાન વિપક્ષ કોંગ્રેસ વિવિધ મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. જેના કારણે આ સત્રમાં હોબાળો થવાની સંભાવના છે. બજેટની માંગણીઓ પર ચર્ચા કરવા માટે 12 દિવસ સુધી ચર્ચા ચાલશે. સરકારી બિલો પર 4 દિવસ સુધી ચર્ચા થશે દરમિયાન, રાજય સરકાર વિવિધ કાયદાઓમાં જરૂરિયાત મુજબ સંશોધન બિલ પસાર કરશે. 31મી માર્ચે અંતિમ દિવસના પ્રસ્તાવ સાથે સત્ર સમાપ્ત થશે.પરતું રાજ્યના નાગરિકોના હિતને લગત ચર્ચાઓ આ બજેટ સત્રમાં વધુ થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે.