Mysamachar.in-ગાંધીનગર
આમ તો રાજ્યમાં રેવન્યુથી માંડીને પોલીસ સુપર ક્લાસ વન થી માંડીને ક્લાસ 4 સુધી અધિકારીઓ અને કર્મચારીઓની ઘટ છે, અને ગાડું ધરારથી ગબડાવામાં આવે છે, પણ આ તમામ વચ્ચે ઉચ્ચ અધિકારીઓની પણ એટલી જ ઘટ હોવાનું વિધાનસભાના સત્રમાં પ્રશ્નોતરી દરમિયાન સામે આવ્યું છે, સરકારે સ્વીકાર કર્યો છે કે રાજ્યમાં હાલ IAS અને IPS અધિકારીઓની 30 ટકા જેટલી જગ્યાઓ પર ઘટ છે. ગુજરાત સરકારને ફાળવાયેલાં 313 IAS અધિકારીઓ પૈકી હાલ 94 અધિકારીઓની ખોટ છે, તો કુલ ફાળવાયેલા 208 IPS અધિકારીઓની જગ્યા પર 70 અધિકારીઓ ઓછાં છે.
કોંગ્રેસના ધારાસભ્યો ચંદન ઠાકોર, શિવાભાઇ ભૂરીયા અને ડો. સી જે ચાવડાએ રાજ્યમાં અલગ અલગ કેડરો પર રહેલી ખાલી જગ્યાઓ અંગે માહિતી માગી હતી. જવાબમાં મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યના 23 IAS અધિકારીઓ હાલ કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ પર છે. આ સાથે રાજ્ય માટે મંજુર થયેલી કુલ 208 IPS અધિકારીઓની જગ્યાઓમાંથી 50 જગ્યાઓ ભરાઇ નથી તથા 20 IPS અધિકારીઓ કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર છે. ગુજરાતમાં છેલ્લાં કેટલાંય સમયથી સનદી અધિકારીઓની ફાળવણી થાય છે તેની સામે રાજ્યની સેવામાંથી નિવૃત્ત થનારા અને કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર જનારા અધિકારીઓની પ્રમાણ વધુ હોવાથી આ ઘટ પૂરાતી નથી. ગયાં વર્ષે જ ગુજરાતમાં 19 IAS અધિકારીઓ નિવૃત્ત થયાં હતાં..