Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા શહેરના ખંભાળિયા શહેરમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીનું એકમાત્ર કેન્દ્ર લાંબા સમય બાદ શરૂ કરવામાં આવ્યું છે અને થોડા દિવસ આ કામગીરી રાબેતા મુજબ ચાલી હોવા પછી આજરોજ કેન્દ્રમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરી દેવાતા ખેડૂતો ભારે હાલાકીમાં મુકાઈ ગયા હતા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા તાલુકા માટે વ્યાપક રજૂઆતો પછી સરકાર દ્વારા રાજ્યના અન્ય સ્થળોએ કેન્દ્ર શરૂ થયાના દિવસો પછી અહીંના સૂકી ખેતી કેન્દ્ર ખાતે ટેકાને ભાવે મગફળીની ખરીદી કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અંગેની કામગીરી એક મંડળીને સોંપાઈ હતી.
જેમાં હાલ કેટલાક દિવસોથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની મગફળી વેચવા માટે ઉમટી રહ્યા હતા અને ઠેર ઠેર લાંબી લાઈનો જોવા મળી રહી હતી. તેવી પરિસ્થિતિમાં આજરોજ ખંભાળિયાના સૂકી ખેતી ખરીદ કેન્દ્ર ખાતે ટેકાના અભાવે મગફળીની ખરીદી બંધ કરી દેવામાં આવી હતી.
વધુમાં જાણવા મળતી વિગત મુજબ આ મગફળી જામનગર ખાતેના વેર હાઉસમાં મોકલવામાં આવે છે. અને અહીં મોટી સંખ્યામાં મગફળી ભરેલા ટ્રકો પહોંચી ગયા હોવાથી આ ટ્રકો મગફળી ઉતાર્યા વગરના પડી રહ્યા છે. જેના કારણે હાલ ખંભાળિયામાં સૂકી ખેતી કેન્દ્ર ખાતે જગ્યા ન હોવાથી ખેડૂતોની મગફળીની ખરીદી બંધ કરવામાં આવી હતી. ત્યારે આ પરિસ્થિતિમાં અનેક ખેડૂતોને થતા ધક્કા તેમજ લાંબા વેઇટિંગથી ધરતીપુત્રોમાં રોષની લાગણી જોવા મળી હતી.(તસ્વીર અહેવાલ કુંજન રાડિયા)