Mysamachar.in-અમદાવાદ:
જામનગર સહિત રાજ્યભરમાં પશુ નિયંત્રણ માટે સરકાર દ્વારા જે નવો કાયદો તૈયાર કરવામાં હતો તે ખરડો કાયદો બને તે પહેલાં જ રાજ્ય સરકારે પરત ખેંચી લીધો છે તે યાદ કરીને વડી અદાલતે સોમવારે સરકારને પૂછ્યું: આ બિલની ગેરહાજરીમાં હવે પશુ નિયંત્રણ માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે ? તે અંગેની વિગતો અદાલત સમક્ષ રજૂ કરો. કાલે સોમવારે હાઈકોર્ટમાં વધુ એક વખત અમદાવાદ સહિતના રાજ્યનાં શહેરોમાં પ્રવર્તી રહેલી રખડતાં પશુઓની સમસ્યાનો મામલો ચર્ચાયો હતો.
હાઈકોર્ટે સરકાર વતી હાજર રહેલાં અધિકારીઓને પૂછ્યું હતું કે, તમે ક્યારેય ચાલીને શહેરમાં ( અમદાવાદમાં) નીકળ્યા છો ? વસ્ત્રાપુર કે બોડકદેવ વિસ્તારમાં ચાલીને નીકળ્યા છો ? શું સ્થિતિ છે, તે જાણો છો ?! આ તકે વડી અદાલતે પૂછી લીધું હતું કે, હવે જ્યારે રાજ્ય સરકારે પશુ નિયંત્રણ ખરડો પરત ખેંચી લીધો છે ત્યારે, રખડતાં પશુઓનાં મુદ્દે સરકારની તૈયારી હવે શું છે ? આ અંગે 20 ઓક્ટોબરે હવે પછીની સુનાવણી થાય તે પહેલાં સરકારની તૈયારી અંગેની વિગતો અદાલત સમક્ષ રજૂ કરવા અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું.
અહિંસા સંગઠન નામની સંસ્થાનાં વકીલે અદાલતમાં એમ જણાવ્યું હતું કે, સરકારે સુપ્રિમ કોર્ટનાં આદેશ પછી રાજ્યમાં પશુ કલ્યાણ બોર્ડ રચ્યું છે પરંતુ રખડતાં પશુઓની સમસ્યા અંગે કોઈ કામગીરી કરવામાં આવતી નથી. જેનાં જવાબમાં સરકારે કહ્યું: કલ્યાણ બોર્ડ કામગીરી કરી રહ્યું છે.વડી અદાલતે એમ પણ ઉમેર્યું હતું કે, પશુ કલ્યાણ બોર્ડ દ્વારા રાજ્યમાં પશુઓ માટે કેટલાં તળાવ, કેટલાં ઢોર ડબ્બા અને પાંજરાપોળ બનાવવામાં આવી તેનાં આંકડાઓ અદાલત સમક્ષ રજૂ કરો. પશુ કલ્યાણ બોર્ડ સંબંધી આ અરજીની વધુ સુનાવણી આગામી 20 ઓક્ટોબરે રાખવામાં આવી છે.